• રવિવાર, 22 માર્ચ, 2026

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ : NCCનો થશે વિસ્તાર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું મહત્ત્વનું એલાન

નવી દિલ્હી, તા. 21 : દેશની  રક્ષા તૈયારી અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને નવું પરિમાણ આપતા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટી ઘોષણા કરી છે. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક મહોત્સવ સમારોહને સંબોધિત કરતા રાજનાથ સિંહે દેશભરમાં 100 નવી સૈનિક સ્કુલ ખોલવાનું અને એનસીસી કેડેટની સંખ્યામાં ભારે વધારો કરવાનું એલાન કર્યું હતું. રક્ષા મંત્રીએ યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને દેશભક્તિના મૂલ્યોને સમાહિત કરવાના હેતુથી એનસીસીના વિસ્તારની ઘોષણા કરી હતી.  રાજનાથ સિંહે કહ્યું હતું કે, એનસીસીમાં ખાલી જગ્યાની સંખ્યા વધારી દીધી છે. પહેલા ભરતીનું લક્ષ્ય 17 લાખ હતું તેને વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વધારે બાળકોને રાષ્ટ્ર નિર્માણ માટે જરૂરી સંસ્કાર શીખવાની તક મળશે. સૈન્ય શિક્ષાનો દાયરો વધારવા રાજનાથ સિંહે કહ્યું હતું કે, સરકાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપિત કરવા જઈ રહી છે. તેમણે ભાર મૂકીને કહ્યું હતું કે આ સંસ્થાન રક્ષા સેવાઓ માટે યુવાનોને તૈયાર કરવાની સાથે વિભિન્ન ક્ષેત્રમાં નેતૃત્વકારી ભૂમિકા ભજવવા માટે પણ સક્ષમ કરે છે.

રક્ષા મંત્રીએ સૈનિક સ્કૂલમાં યુવતીઓના પ્રવેશને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. તેમણે નિર્ણયને મહિલા સશક્તિકરણની દિશામાં મહત્ત્વનું સીમાચિહ્ન ગણાવતા કહ્યું હતું કે મહિલા કેડેટના પ્રદર્શને સાબિત કર્યું છે કે તેઓ દરેક ક્ષેત્રમાં બરાબર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક