અમરેલી, તા.21 : અમરેલી જિલ્લામાં સસ્તા ભાવે ચીજવસ્તુઓ આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે લાખોની ઠગાઈ કરતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ વોન્ટેડ આરોપીઓને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે. ઝારખંડ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગુનાખોરી આચરી બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા તમિલનાડુના આ શખસોને ટેકનિકલ સોર્સના આધારે દબોચી લેવામાં આવ્યા છે.
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2023માં સાવરકુંડલા ખાતે
‘ગોલ્ડસ્ટાર હોમનીડ્સ ઓર્ડર સપ્લાયર્સ‘ નામે શો-રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ફર્નિચર
અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર 10%થી 45% સુધીના ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવી
હતી. ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવી 12 દિવસમાં વસ્તુ પહોંચાડવાનો વાયદો કરી,
લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ આરોપીઓ શો-રૂમ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા.
આ મામલે સાવરકુંડલાના ઇમરાનભાઈ
ચૌહાણે કુલ રૂ. 3,14,130ની છેતરાપિંડી અંગે આઈ.પી.સી. કલમ 406, 420 અને 120બી મુજબ
ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અગાઉ બે આરોપીઓ પકડાયા હતા, પરંતુ ગેંગના મુખ્ય સાગરીતો
છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના હેઠળ એલ.સી.બી.
પી.આઈ. એ.ડી. ચાવડાની ટીમે બાતમીના આધારે એમ. ગણેસન મુથૈયા,રાજેન્દ્રન થન્ગાવેલ,મેરીઅપ્પન
નાડેસન રહે ત્રણેય તમિલનાડુ વાળાને પકડી પાડયા છે.પકડાયેલા ત્રણેય આરોપીઓ અન્ય રાજ્યોના
ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. એલ.સી.બી.એ આરોપીઓનો કબજો સાવરકુંડલા ટાઉન
પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.