ક્રિકેટ બોર્ડની ચૂંટણી મુદ્દે વકરી રહેલો વિવાદ : પૂર્વ ACC CEO અશરફૂલે કહ્યું, ICC માલિક નહીં સહયોગી
ઢાકા,
તા. 21 : બંગલાદેશ ક્રિકેટ માટે અત્યારસુધીમાં 2026નું વર્ષ સારૂ રહ્યું નથી અને એક
પછી એક વિવાદમાં નામ આવી રહ્યું છે. બંગલાદેશ પહેલાથી જ બીસીસીઆઈ અને આઈસીસી સાથે ટકરાવના
કારણે ચર્ચામાં હતું. હવે બોર્ડની ચૂંટણી મુદ્દે નવી મુશ્કેલી ઉભી થઈ છે. જેને લઈને
આઈસીસીને પણ ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે આઈસીસીને માલિક નહી પણ સહયોગી સમજવું
જોઈએ.
હકીકતમાં
મુસ્તફિઝુર રહેમાનના આઈપીએલ પ્રતિબંધના વિવાદ બાદ બીસીબીએ 2026 ટી20 વિશ્વકપમાંથી હટવાનો
નિર્ણય કર્યો હતો. બાદમાં બંગલાદેશ સરકારે બીસીબી ચૂંટણીની તપાસ શરૂ કરી હતી. જેમાં
અધ્યક્ષ અનિમુલ ઈસ્લામની પસંદગી ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બીસીબી સરકારે
ઈશારામાં ચેતવણી આપી છે કે જો વધારે દખલ કરવામાં આવશે તો મામલો આઈસીસી સુધી પહોંચી
શકે છે. જો કે પુર્વ એસીસી સીઈઓ સૈય્યદ અશરફુલ હકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું
હતું કે બીસીબી દ્વારા આઈસીસીનું નામ લેવું માત્ર એક ધમકી છે જેથી બોર્ડ પોતાને બચાવી
શકે. હકીકતમાં બીસીબી સીધી રીતે નેશનલ સ્પોર્ટસ કાઉન્સીલની હેઠળ આવે છે.
અશરફુલ
અનુસાર જો બીસીબી યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અથવા તો ચૂંટણીમાં ગડબડ સામે આવે તો
એનએસસી પાસે પુરો અધિકાર છે કે બોર્ડને ભંગ કરી શકે. આ નિયમ કાયદામાં પહેલાથી જ છે. અશરફુલ હકે કહ્યું હતું કે આઈસીસી આ મામલે વધારે
કંઈ કરી શકે નહી. કારણ કે આઈસીસી માત્ર દિશાનિર્દેશ આપે છે. ઘરેલુ મામલામાં દખલ કરતું
નથી. જો બીસીબી પોતાના સંવિધાન અનુસાર ચાલે છે તો આઈસીસી વચ્ચે આવશે નહી.