પીઓકે અને અફઘાન સરહદ નજીક સેનલિંગ નામે પ્રાંત બનાવતા ભારતે વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હી, તા. 13 : એક તરફ
પૂરી દુનિયાની નજર અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધ ઉપર છે, ત્યારે ચીને પીઓકેમાં એક ખતરનાક
ચાલબાજી શરૂ કરી દીધી છે. હકીકતમાં ચીને પીઓકે અને અફઘાનિસ્તાનની સરહદ નજીક સ્થિત પોતાના
શિનજિયાંગ પ્રાંતમાં નવી કાઉન્ટી એટલે કે પૂરું પ્રશાસનિક એકમ સ્થાપિત કરી દીધું છે. રિપોર્ટ અનુસાર ચીને
ઉઈગરોની ઘૂસણખોરી રોકવા અને સાથે વાખન કોરિડોરની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય કર્યો
છે. આ હરકતની ભારતે નિંદા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે
ચીનની હરકતોથી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપર અસર પડી શકે છે.
સેનલિંગ નામની નવી કાઉન્ટી કારાકોરમ
પર્વતમાળા નજીક પીઓકે અને અફઘાનિસ્તાનની સરહદની ખુબ જ નજીક છે. મહત્ત્વની વાત એ છે
કે ચીન શિનજિયાંગમાં આ પહેલા પણ બે નવી કાઉન્ટી હેઆન અને હેકાંગની ઘોષણા કરી ચુક્યું
છે અને લગભગ એક વર્ષની અંદર ચીને ત્રીજો પ્રાંત બનાવી દીધો છે.
હવે ત્રીજી કાઉન્ટીની સ્થાપના
ઉપર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ભારતીય ક્ષેત્રના
સ્થાનોને મનઘડંત નામ આપવાની ચીની પક્ષની હરકતો ભારત દ્વારા ખારિજ કરવામાં આવે છે. ખોટા
દાવા અને મનઘડંત નેરેટિવથી હકીકત બદલાશે નહી. ચીનની આવી હરકત દ્વિપક્ષીય સંબંધોને સ્થિર
અને સામાન્ય બનાવવાની દિશાના પ્રયાસોને કમજોર કરે છે. આવા કાર્યોથી ચીને બચવું જોઈએ.
જે સંબંધોમાં નકારાત્મકતા લાવે છે.