• મંગળવાર, 14 એપ્રિલ, 2026

જળમાર્ગ બન્યો અગ્નિપથ

હોર્મુઝની નાકાબંધી કરતું અમેરિકા: ઈરાને ખાડીનાં તમામ બંદરોને નિશાને લેવા આપી ધમકી

ચીને કહ્યું, ઈરાન સાથેનાં કારોબારમાં કોઈ બાહ્ય દખલ નહીં ચાલે : ભારતનાં 15 જહાજ હોર્મુઝમાં અટવાયા

નવી દિલ્હી, તા.13: ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં શાંતિ સમજૂતી માટેની વાટાઘાટો વિફળ રહેતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને આખી દુનિયા ચિંતામાં મૂકાઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનને ટોલ ચૂકવીને હોર્મુઝ પસાર કરતા કે પછી ઈરાનનાં બંદરે જતા અને ત્યાંથી આવતા જહાજોને રોકવાની ધમકી આપ્યા બાદ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકથી હોર્મુઝની નાકાબંધી પણ શરૂ કરી દીધી હતી. તો સામે પક્ષે ઈરાને અમેરિકાનાં આ પગલાને ગેરકાનૂની અને ચાંચિયાગીરી ગણાવીને વળતી તાકાતથી જવાબ આપતાં કહ્યું હતું કે, જો ઈરાનનાં કોઈ બંદર ઉપર ખતરો ઉભો થશે તો ખાડીનાં કોઈપણ બંદર સલામત રહેશે નહીં. એકબાજુ ઈરાન ટોલ ઉઘરાવીને હોર્મુઝ ઉપર અંકુશ રાખવા માગે છે અને બીજીબાજુ અમેરિકા હોર્મુઝની નાકાબંધી કરી બેઠું છે ત્યારે દુનિયાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

અમેરિકાએ હોર્મુઝની નાકાબંધનું એલાન કરતાં સૌથી મોટી સમસ્યા ભારત અને ચીનને થઈ શકે એમ છે. ચીને અમેરિકાની આ ધમકી સામે આકરી પ્રતિક્રિયા પણ આપી દીધી હતી. ચીને કહ્યું હતું કે, તે ઈરાન સાથે પોતાનો કારોબાર યથાવત્ જાળવી રાખશે અને આમાં કોઈપણ બાહ્ય દખલગીરીને સાંખી લેવામાં નહીં આવે. બીજીબાજુ બ્રિટને અમેરિકાની આવી કોઈ કાર્યવાહીમાં જોડાવા કે મદદ કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. બ્રિટનનાં વડાપ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું હતું કે, તે આવી કોઈ નાકાબંધીનું સમર્થન નહીં કરે અને ઈરાન સામેનાં યુદ્ધમાં ઢસડાશે પણ નહીં.

ભારતની વાત કરવામાં આવે તો હોર્મુઝ ઉપર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા વધુ ચિંતાજનક તનાવમાં ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો છે. જહાજ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ફારસનીખાડીમાં હજી પણ 1પ ભારતીય જહાજ અટવાયેલા છે. આમાં એક એલએનજી, એક ખાલી એલપીજી અને છ ક્રૂડ ઓઈલ ભરેલા ટેન્કર છે. ત્રણ કન્ટેનર હજાર, એક ડ્રેઝર અને એક કેમિકલ કાર્ગો જહાજ પણ આ 1પ અટવાયેલા જહાજોમાં સામેલ છે. આ જહાજોને હવે ત્યાંથી સુરક્ષિત બહાર લાવવા માટે ભારતીય નૌસેના સતત પ્રયાસરત છે. અત્યાર સુધીમાં 10 ભારતીય જહાજોએ હોર્મુઝ પાર કરી લીધું છે પણ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે નવી ખેંચતાણમાં અન્ય 1પ જહાજોની સ્થિતિ વિશે ચિંતા ઉભી થઈ છે. જો કે ઈરાને ભારત સંદર્ભે સ્પષ્ટ પણ કર્યુ હતું કે, ભારતીય જહાજો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં નથી આવ્યો.

હોર્મુઝની નાકાબંધી કરવાનાં ટ્રમ્પનાં એલાન પછી ઈરાની સેનાએ કહ્યું હતું કે, હોર્મુઝ ઉપર તેની પાસે પૂર્ણ નિયંત્રણ છે. જો અમેરિકા નાકાબંધી કરવાની કોશિશ કરશે તો તે જાળમાં ફસાઈ જશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી કેન્દ્રીય કમાન્ડે સવારે 10 વાગ્યાથી નાકાબંધી શરૂ થઈ જશે તેવી ઘોષણા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ નાકાબંધી તમામ દેશોનાં જહાજો માટે નિષ્પક્ષતાથી લાગુ થશે. તેમાં અરબ ખાડી અને ઓમાનની ખાડીનાં તમામ ઈરાની બંદરો સામેલ છે. બિનઈરાની બંદરો વચ્ચે યાત્રા કરતાં જહાજોને જ હોર્મુઝમાંથી પસાર થવાની અનુમતિ આપવામાં આવશે.

ઈરાનને આર્થિક આફતમાં ધકેલી દેવાનાં અમેરિકાનાં આ પ્રયાસ સામે ઈરાને ચેતવણી આપી હતી કે જો તેનાં કોઈપણ બંદર ઉપર જોખમ સર્જાશે તો અખાતનાં તમામ દેશોનાં બંદરો પણ ખતરામાં મૂકાઈ જશે.

--------------

ક્રૂડ ઓઇલના ભાવ ફરી વાર વધીને 100 ડોલરને પાર

નવી દિલ્હી, તા.13 : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ છે. આની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પડી છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ રાજદ્વારી નિષ્ફળતા વચ્ચે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની બંદરોની નાકાબંધીની પણ જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા સંકટ વધુ ઘેરું બનવાનો ભય છે. આ ફક્ત બે દેશ વચ્ચેનો સંઘર્ષ નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્રને શક્તિ આપતી તેલ અને ગેસ સપ્લાય લાઇન પર પણ સીધી અસર કરે છે. ઇસ્લામાબાદમાં ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો માટે શેરબજારોને ઘણી આશાઓ હતી. જોકે બન્ને દેશ વચ્ચે કોઈ કરાર ન થયાના સમાચાર મળતાં જ બજારમાં ગભરાટ ફેલાઈ ગયો. તેની પહેલી અને સૌથી તાત્કાલિક અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી. વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડમાં 8.36 ટકાનો જંગી વધારો થયો હતો, જે પ્રતિ બેરલ 103.16 ડોલરને વટાવી ગયો હતો. તેવી જ રીતે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યૂટીઆઇ) ક્રૂડ ઓઇલ 8.22 ટકા વધીને 104.57 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા ફક્ત તેલ સુધી મર્યાદિત નહોતી, યુરોપિયન ગેસ ધયુચર્સમાં પણ એક સમયે લગભગ 18 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો. આ વધતી જતી ઊર્જા કિંમત વૈશ્વિક ફુગાવાને વેગ આપી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક