રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિમાં રાજકોટ અઈંઈંખજનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો : ખઇઇજની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.13 : ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે ઘરેણા સમાન ગણાતી રાજકોટ એઈમ્સ સફળતાના સોપાન
સર કરતી જાય છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ એઈમ્સમાં આજે પ્રથમ પદવીદાન
સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગે એમ.બી.બી.એસ.ની પ્રથમ બેચના
50 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, દેશભરમાં પરવડે તેવા ખર્ચે ગુણવત્તાયુક્ત
આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે એઈમ્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ
માત્ર ઉત્તમ તબીબી શિક્ષણ જ નહીં, પરંતુ સંશોધન, નવી શોધો અને જાહેર આરોગ્ય સેવાઓમાં
પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. રાજકોટની એઈમ્સે તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓના
ક્ષેત્રમાં હજુ લાંબી સફર કરવી બાકી છે.
રાષ્ટ્રપતિએ
ખાસ ભાર મૂક્યો કે તબીબી વ્યવસાય માત્ર આવક મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા
કરવાનું એક મહત્વપૂર્ણ દાયિત્વ છે. સારા ડોક્ટર બનવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન સાથે દયા,
નમ્રતા અને ધીરજ જેવા ગુણો અનિવાર્ય છે. ડોક્ટરનો સફેદ કોટ દર્દીઓના વિશ્વાસનું પ્રતીક
છે અને આ વિશ્વાસ જાળવી રાખવો દરેક ડોક્ટરની
જવાબદારી છે. આધુનિક સમયમાં ટેકનોલોજી, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક
સર્જરી, તબીબી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. તેથી વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજીને
સ્વીકારીને પોતાની કુશળતા વધારવી જોઈએ. તેમ છતાં, તેમણે માનવીય સંવેદનાનું મહત્વ અવિનાશી
હોવાનું જણાવી અંતમાં કહ્યું હતું કે, કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં
મોટું પરિવર્તન લાવી શકે છે અને તેઓ દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ સમારોહનાં
પ્રારંભે એઈમ્સ રાજકોટના ડાયરેક્ટર ડૉ.જીવનાસિંઘ તિતિયાલે દીક્ષાંત સમારોહની ક્ષણને
ઐતિહાસિક ગણાવી તબીબોને કહ્યું હતું કે, તબીબી સેવા માત્ર બીમારીનો ઈલાજ કરવા પૂરતી
સીમિત નથી પરંતુ તે કરુણા અને ગરિમા સાથે માનવતાની સેવા કરવાનું પવિત્ર કાર્ય છે. આ
અવસરે કાર્યકારી નિર્દેશક ડૉ.એલ.એન.દોરાઈરાજને એઈમ્સ રાજકોટની સફળયાત્રાની વિગતો રજૂ
કરી હતી તેમજ સ્નાતક થયેલા પ્રથમ બેચના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીને તબીબી સેવાની
સાથે કરૂણા, અખંડિતતા અને નમ્રતાના મૂલ્યો અપનાવીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી
પાડી હતી.
આ કાર્યક્રમમાં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, સાંસદો પરશોત્તમ રૂપાલા, કેસરીદેવાસિંહ
ઝાલા, રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર
ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગાવિંદ,
રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
રાજ્યપાલ
દેવવ્રતે આરોગ્ય, જીવનશૈલી અને નિવારક આરોગ્ય પર આપ્યો મહત્વપૂર્ણ સંદેશ
ગુજરાતના
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આરોગ્ય ક્ષેત્ર અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતુ
કે, રાજકોટની એઈમ્સ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહી છે અને તબીબોની પ્રથમ
બેચ હવે નાગરિકોને સેવા આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ડોક્ટરને ભગવાન પછીનું સ્થાન
આપવામાં આવે છે, પરંતુ સાચી સફળતા પોતાના સદગુણો અને કાર્યો દ્વારા લોકોના હૃદયમાં
સ્થાન મેળવવામાં છે. રાજ્યપાલે તબીબોને જીવનમાં સત્યનું પાલન, ધર્મનું આચરણ અને સતત
અભ્યાસ તથા નવી જાણકારી મેળવવા માટે પ્રેરણા આપીને કહ્યું હતુ કે, દર્દીઓને માત્ર દવાઓ
નહીં પરંતુ યોગ, સ્વસ્થ જીવનશૈલી અને સંતુલિત આહાર અંગે પણ માર્ગદર્શન આપવું, જેથી
સમાજ વધુ સ્વસ્થ બની શકે. આ સાથે લોકોને ચેતવણી પણ આપી હતી કે, જંક ફૂડ તથા રાસાયણિક
ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગોમાં વધારો
થઈ રહ્યો છે. સ્વચ્છ પર્યાવરણ અને નિયમિત કસરતને પણ આરોગ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું
હતુ.
---------------
તબીબી
ક્ષેત્ર સેવા અને માનવતાનો માર્ગ છે : મંત્રી અનુપ્રિયા પટેલ
કેન્દ્રીય
રાજ્ય આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલે તબીબી સેવાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને
શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્ર સેવાનું માધ્યમ છે. દર્દી નારાયણ
દ્વારા ડોક્ટરને ઈશ્વરના બીજા સ્વરૂપમાં જોવામાં આવે છે ત્યારે દર્દી અને ડોક્ટર વચ્ચે
વિશ્વાસનો સેતુ હંમેશા કાયમ રહેવો જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારજનોને ડોક્ટર પાસે
ખૂબ આશા હોય છે, તેઓની સાથે આત્મીયતા કેળવી, તેમનો વિશ્વાસ જીતી, સારવાર આપવાની સાથે
દર્દીઓને હૂંફ આપવી જોઈએ. આજે તબીબી ક્ષેત્રે થઈ રહેલી અનેક નવી શોધ, નવા સંશોધન, અકસીર
દવા તથા દર્દીઓનાં ઈલાજમાં નવીનતા લાવી સ્વયંને અદ્યતન જાણકારી સાથે કાર્યશીલ રહેવા
વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.