• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સુરેન્દ્રનગર હાઈવે પર ડમ્પરે પદયાત્રીઓના સંઘને કચડયો, સાતનાં કરુણ મૃત્યુ

છારદ ગામ પાસે રાત્રિ રોકાણ બાદ પદયાત્રીઓ વિઠ્ઠલગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો કરુણ બનાવ

વઢવાણ, તા.13: (ફૂલછાબ ન્યુઝ) સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે લખતર પાસે એક ભયાનક ઘટનામાં સાત પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ગઢકાથી નીકળેલો મુંધવા પરિવારનો આ પદયાત્રી સંઘ બહુચરાજી પાસે આવેલા દેકાવાડા જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા ડમ્પરે શ્રદ્ધાળુઓને અડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, અંદાજે 500 જેટલા પદયાત્રીઓનો આ સંઘ છારદ  ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ વિઠ્ઠલગઢ તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન હાઈવે પર એક બંધ ટ્રકનું ટાયર બદલવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા એક ડમ્પર ચાલકે પદયાત્રીઓના સંઘ પર ડમ્પર ફેરવી દીધું હતું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે 5 મહિલા અને 2 પુરુષો સહિત કુલ સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર કમનસીબ પદયાત્રીઓમાં મસાભાઈ કરસનભાઈ મુંધવા (59), જાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લોબાવા, જાલુબેન વેલાભાઈ મુંધવા (45), વિજુબેન વિભાભાઈ મુંધવા (45), વજીબેન વિભાભાઈ મુંધવા અને જયદીપભાઇ સાપરા (શિયાણી, લીમડી) નો સમાવેશ થાય છે. તમામ મૃતકો રાજકોટ અને મોરબી પંથકના મુંધવા પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં જ લખતર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા જ્યારે સાતેય મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે લખતર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ માલધારી સમાજના ગેડિયાના મહંત લાલદાસ બાપુ તેમજ પાટડી-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી રાહત કામગીરીમાં જોડાયા હતા.

---------------

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.’’ વધુમાં તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક