• રવિવાર, 19 એપ્રિલ, 2026

યુપીનું બાંદા એશિયામાં સૌથી ગરમ : 45.4 ડિગ્રી તાપમાન

ઓરિસ્સા-છત્તીસગઢમાં શાળાઓમાં રજા જાહેર : પુર્વોત્તરના 13 રાજ્યમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી, તા. 18 : દેશના લગભગ તમામ રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશના બાંદામાં શુક્રવારે તાપમાન 45.4 સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું. જે વર્તમાન ઋતુમાં અત્યાર સુધીનું એશિયાનું સૌથી ઉંચું તાપમાન છે. આ અગાઉ 9-10 એપ્રિલના રોજ દેશના મેદાની વિસ્તારમાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન પણ બાંદામાં જ નોંધાયું હતું. વધુમાં આગામી ચાર દિવસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં લૂ ફુંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. યૂપીના 16 જીલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધારે રહ્યું હતું. જેનાથી હીટવેવની અસર વર્તાઈ હતી. પ્રયાગરાજ, વારાણસી સહિતના 50 શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે.

મધ્ય પ્રદેશ, છત્તીગસઢ, ઓરિસ્સાના ઘણા જીલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. એમપીમાં તો 13 જીલ્લાની શાળાઓમાં સમય બદલવામાં આવ્યો છે. છત્તીસગઢ તેમજ ઓરિસ્સાના બોલાંગીર, સુબર્ણપુર અને કાલાહાંડી જીલ્લામાં 21 એપ્રિલ સુધી શાળા, કોલેજ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેવાના છે.

જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, બિહાર, સિક્કિમ, બંગાળ, આસામ, મેઘાયલ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર થયું છે. બંગાળ નજીકના ઓરિસ્સાના અમુક જીલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક