• રવિવાર, 14 જૂન, 2026

9 દિવસમાં 19 રાજ્યમાં સક્રિય બન્યું ચોમાસું

- યુપીમાં પ્રી-મોન્સુન વરસાદ, તોફાની પવન સાથે ટાઢક વરસી: રાજસ્થાનનાં ચૂરુમાં આંધીએ રેલવે સ્ટેશનનો શેડ ઉખેડી નાખ્યો

 

નવી દિલ્હી, તા.13: અલ નીનોની અસર તળે થોડું વિલંબથી ચાલી રહેલું ચોમાસુ હવે દેશનાં વિભિન્ન ભાગોમાં આગળ ધપવા લાગ્યું છે. 4 જૂને કેરળથી ભારતમાં પ્રવેશેલું ચોમાસુ 9 દિવસમાં 19 રાજ્યોમાં પહોંચી ગયું છે.

જેમાં ઉત્તરપ્રદેશમાં પ્રી-મોનસૂન સક્રિય બની ગયું છે. કાનપુર, અયોધ્યા અને ઉન્નાવ સહિત રાજ્યનાં 2પ શહેરોમાં આજે વરસાદ નોંધાયો હતો અને વારાણસીમાં બપોરે આવેલા વાવાઝોડાંમાં અનેક સ્થળે હોર્ડિંગ ઉખડી ગયા હતાં. લખનઉમાં તેજ આંધી અને બપોરે અંધારપટ છવાઈ ગયો હતો. હાથરસમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં.

રાજસ્થાનમાં બીકાનેર, શ્રીગંગાનગર, હનુમાનગઢ, સીકર અને ચૂરુનાં અનેક વિસ્તારોમાં પ્રી-મોનસૂન વરસાદ પડયો હતો. જેમાં ચૂરુનાં શ્રીમકડીનાથ રેલવે સ્ટેશને ભારે વરસાદ અને તોફાનની પવનનાં કારણે શેડ ઉખડીને રેલવેનાં પાટા ઉપર ધરાશાયી થઈ ગયો હતો. આનાં હિસાબે અનેક ટ્રેનો પણ મોડી થઈ હતી. બીજીબાજુ દિલ્હીમાં સવારે વરસાદનાં કારણે અનેક વિમાન મોડા પડયા હતાં. ઝારખંડ અને ઓરિસ્સામાં પણ ચોમાસુ પ્રવેશી ગયું છે. આગામી ત્રણ દિવસમાં છત્તીસગઢ, યુપીનાં મોટા ભાગોને ચોમાસુ આવરી લે તેવી આગાહી છે. હવે 13 જૂનથી પ જુલાઈ વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ચોમાસુ સક્રિય બનશે.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગણ અને મધ્યપ્રદેશનાં અનેક શહેરોમાં ગરમીનો પારો હજી પણ 40 ડિગ્રીથી વધુ છે અને આ રાજ્યો હજી પણ કોરાધાકોર છે.

ઇ-પેપરના નવા શુલ્ક