• શનિવાર, 13 જૂન, 2026

ધારીમાં ખેડૂતો પર હુમલાનો મામલો ગરમાયો

ભાજપના નેતાઓની ચીમકી બાદ પોલીસ એક્શનમાં, ત્રણ અસામાજિક

તત્ત્વોની અટકાયત

અમરેલી, તા.12: ધારી નજીક આવેલા વેકરિયાપરા વિસ્તારમાં ગઈકાલે બે ખેડૂતો અરાવિંદભાઈ સમજુભાઈ ભુવા તથા તેમના ભાઈ નનુભાઈ પર થયેલા હુમલાના મામલે ધારી પંથકમાં ભારે રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ વચ્ચે ધારી પોલીસ એક્શનમાં આવી છે. બે ખેડૂતોને માર મારનારા ત્રણ અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખેડૂતો, મહિલાઓ અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં મેદાનમાં ઉતરતા સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને રોષની લાગણી વ્યાપી છે.

હુમલાને લઈને આજે સવારે ધારાસભ્ય કાકડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, મનસુખ ભુવા સહિત ભાજપના આગેવાનો, ખેડૂતો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ ધારી પોલીસ અને નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ વિસ્તારમાં ચાલી રહેલા દારૂના દૂષણ પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.

આ આવેદનપત્ર બાદ ધારી પોલીસ હરકતમાં આવી હતી. અને સાગર બટુકભાઈ સરવૈયા, વિશાલ હરેશભાઈ ડાભી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. ઉપરાંત હુમલામાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શખસો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક