જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે હરમનપ્રીત કૌરની સેના
નવી
દિલ્હી, તા. 13 : મહિલા વન ડે વિશ્વકપ 2025નો ખિતાબ પોતાનાં નામે કર્યા બાદ હવે ભારતીય
મહિલા ટીમ ટી20 વિશ્વકપ 2026માં અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની
ટીમ ટૂર્નામેન્ટ પોતાના પહેલા મેચમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સાથે ટકરાશે. 14
જૂને રવિવારે આ મેચ એજબેસ્ટન, બર્મિંઘમમાં રમાશે.
શેફાલી
વર્મા ગયા વર્ષે મહિલા વન ડે વિશ્વકપમાં ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલની જગ્યાએ ટીમમાં સામેલ
થઈ હતી. તેણે ફાઈનલમાં શાનદાર રમત બતાવી હતી. જે ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરી શકે
છે જ્યારે સ્મૃતિ મંધાના સાથ આપશે. ઈંગ્લેન્ડના ટી20 પ્રવાસે યાસ્તિકા ભાટિયાએ સૌથી
વધારે રન કર્યા હતા. તેણે વિન્ડિઝ સામે ભારતના પહેલા વોર્મઅપ મેચમાં પણ સારું પ્રદર્શન
કર્યું હતું. યાસ્તિકા વિશ્વકપમાં નંબર ત્રણે ઉતરી શકે છે.
મિડલ
ઓર્ડરની વાત કરવામાં આવે તો જેમિમા રોડ્રિગ્સ એન્કરનો રો પ્લે કરશે. રોડ્રિગ્સ જરૂર
પડયે ઝડપથી રન પણ કરી શકે છે. કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાના અનુભવ અને જોરદાર હિટિંગની
મદદથી ભારત માટે મેચ જલ્દી ખતમ કરવાની કોશિશ કરશે. આવી જ રીતે ઋચા ઘોષ અને દીપ્તિ શર્મા
ઉપર પણ મોટી જવાબદારી રહેશે. ફિનિશરની ભૂમિકા માટે રાધા યાદવ અને ભારતી ફુલમાલી વચ્ચે
મુકાબલો થઈ શકે છે.
આંકડા
ઉપર નજર કરવામાં આવે તો અત્યારસુધીમાં બન્ને ટીમ વચ્ચે 16 ટી20 મુકાબલા રમાયા છે. જેમાં
ભારતે 13 મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં પાકિસ્તાને બાજી મારી છે. જો કે પાકિસ્તાનને
બે જીત વિશ્વકપમાં જ મળી છે. ટી20 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ છ વખત પાકિસ્તાન સામે
ટકરાઈ છે. જેમાંથી ચારમાં જીત મળી છે.