• રવિવાર, 14 જૂન, 2026

શુભમનની કેપ્ટન ઈનિંગ : ભારતે અફઘાનને હરાવ્યું

વરસાદના કારણે 25-25 ઓવર રમાયેલા મેચમાં ગુરબાઝની સદી એળે : ગુરનૂર અને હર્ષને 3-3 વિકેટ : ગિલના 84 રન

 

ધર્મશાળા, તા. 13 : અફઘાનિસ્તાન સામે ત્રણ વનડેની શ્રેણીના પહેલા મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. વરસાદના કારણે 25-25 ઓવરના મેચમાં અફઘાનિસ્તાને ગુરબાઝની સદીની મદદથી 194 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે 22.5 ઓવરમાં ગીલના 84 રનના દમથી લક્ષ્ય પાર પાડયું હતું. મેચમાં ડેબ્યુ કરનારા ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લીધી હતી.

જીત માટે 195 રનના લક્ષ્યનો પીછો કરતા રોહિત શર્માની વિકેટ વ્હેલી પડી હતી. રોહિત 16 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં ઈશાન કિશન અને ગિલ વચ્ચે મહત્વની 70 રનની ભાગીદારી થઈ હતી. જો કે ઈશાન 34 રને આઉટ થયો હતો. બાદમાં શ્રેયસ અય્યર પણ 12ના અંગત સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. અહિંયાથી ગિલ સાથે કેએલ રાહુલે બાજી સંભાળી હતી. બન્નેએ મળીને ટીમને જીત અપાવી હતી. ગિલ અને રાહુલ વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી અને ગિલ 84 રને તેમજ કેએલ રાહુલ 39 રને નોટઆઉટ રહ્યા હતા.

આ અગાઉ અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 24.5 ઓવરમાં 194 રન કર્યા હતા અને ટીમ ઓલઆઉટ થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને માત્ર 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રન કર્યા હતા. આ ઉપરાંત હસમતુલ્લાહ શાહિદીએ 27 અને અઝમતુલ્લાહ ઉમરઝઈએ 26 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાન ટીમ તરફથી અન્ય કોઈ ખેલાડી બે અંક સુધી પહોંચી શક્યો નહોતો. આ મેચમાં ડેબ્યુ કરનારા ગુરનૂર બરાર અને હર્ષ દુબે બન્નેને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી. જ્યારે અર્શદીપસિંહ અને નિતિશ કુમાર રેડ્ડીએ 2-2 શિકાર કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક