અમરેલી તા.20: ધારી તાલુકાના છતડિયા ગામે પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા અને સહ શિક્ષક વચ્ચે થયેલા વિવાદે ભારે ચર્ચા જગાવી છે. એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો શિક્ષિકા દ્વારા કરવામાં આવતા શાળા પરિસરમાં હોબાળો મચી ગયો હતો. શાળામાં ફરજ બજાવતા એક મહિલા શિક્ષિકાએ પોતાના સહશિક્ષક સામે વિદ્યાર્થિની સાથે છેડતી કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના પગલે શાળાનું વાતાવરણ તંગ બની ગયું હતું અને ઘટનાની જાણ થતાં વાલીઓ તેમજ ગ્રામજનો પણ શાળાના પટાંગણમાં એકત્ર થયા હતા. જાહેરમાં થયેલી બોલાચાલી અને આક્ષેપ-પ્રત્યાઆક્ષેપના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ, મહિલા શિક્ષિકાએ સમગ્ર મામલે પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આક્ષેપોના નિશાન બનેલા સહશિક્ષકે પોતાના ઉપર લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું અને પોતાની કારકિર્દી બગાડવાના હેતુથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલ સમગ્ર મામલો પોલીસ અને સંબંધિત શિક્ષણ તંત્રના ધ્યાન પર પહોંચ્યો છે.