• રવિવાર, 21 જૂન, 2026

કેશોદમાં જનેતાને ગળાટૂંપો દઈ પુત્રએ 15.50 લાખના દાગીના-રોકડ પડાવ્યા

પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઉતાવળે પુત્રએ પોત પ્રકાશતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ 

જૂનાગઢ,તા.20: કેશોદમાં એક જનેતાને સગા પુત્રએ રોકડ,દાગીના કઢાવવા હુમલો કરી ગળુ દબાવી મોતનો ભય બતાવી રૂપિયા પાંચ લાખ રોકડા, દસ લાખના દાગીના તથા બાઇક મળી કુલ રૂપિયા 15.50 લાખનો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લઈ ગયાની માતાએ પોતાના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

આ અંગેની વિગત પ્રમાણે કેશોદની રાધારમણ સોસાયટીમાં રહેતી અને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી પ્રફુલાબેન ઓધવજી દવે ઉમર 50ના આજથી 29 વર્ષ પહેલાં મોવાણા ગામના પ્રદ્યુમન જમનાદાસ વ્યાસ સાથે લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન દીપક નામનો પુત્ર જે હાલ 28 વર્ષનો છે. પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા પ્રફુલાબેને દસ વર્ષ પહેલા પોતાના પતિ સાથે છૂટાછેડા મેળવ્યા હતા અને કેશોદ ખાતે માતા પુત્ર રહેતા હતા. પુત્ર દીપક અમદાવાદ ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો અને થોડા સમય પહેલા જૂનાગઢ મધુરમમાં રજવાડી ચા નાસ્તાની દુકાન કરી હતી અને પોતાની પ્રેમિકા સાથે પ્રેમ લગ્નનો પ્રસ્તાવ મૂકી સાથે રહેતા હતા. 

પરંતુ ધંધામાં સફળતા ન  મળતા પ્રેમિકાને પામવા દીપક કેશોદ તેની માતા સાથે રહેવા લાગ્યો હતો અને પોતાની માતાને જણાવેલુ કે મારે રોકડ અને દાગીનાની જરૂર છે એમ કહેતા તેની માતાએ કારણ પૂછતા પુત્ર  દીપકે પોતાની જનેતા ઉપર હુમલો કરી ગળુ દબાવી મોતનો ભય બતાવી રૂપિયા પાંચ લાખ રોકડા તથા દસ લાખના દાગીના અને રૂ.60,000 ની બાઈક બળજબરીથી કઢાવી લઈ ગયો હતો.આ અંગે પ્રફુલ્લાબેન ઓધવજીભાઈ દવેએ કેશોદ પોલીસમાં પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક