વિરોધ પ્રદર્શિત કરવો ભારતીય નાગરિકોનો બંધારણીય અધિકાર: મહારાષ્ટ્ર પોલીસને ઝાટકતી હાઈકોર્ટ
નવી
દિલ્હી, તા.3: સરકારનાં કોઈપણ નિર્ણયનો વિરોધ કરવો કે તેની સામે સવાલ ઉઠાવવા અથવા તો
નારા લગાડવા કોઈ અપરાધ નથી. આનાં હિસાબે કોઈ નાગરિકને કોઈ સ્થળેથી બહાર હાંકી કાઢવાનો
વૈધ(માન્ય) આધાર ગણી શકાય નહીં. મુંબઈ પોલીસનાં એક નિર્ણયને રદ કરતાં બોમ્બે હાઈકોર્ટ
દ્વારા આ કઠોર ટકોર કરવામાં આવી હતી.
આ મામલો
સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા(એસડીપીઆઈ)નાં મહામંત્રી સઈદ અહેમદ અબ્દુલ
વહીદ ચૌધરીનાં કેસ સંબંધિત હતો. પોલીસે એક આદેશથી ચૌધરીને એક વર્ષ સુધી મુંબઈમાંથી
તડીપાર કર્યા હતાં. તેમને મુંબઈમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. ચૌધરીએ
પોલીસનાં આ ફેંસલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને પોલીસનાં આદેશને રદ કરતાં હાઈકોર્ટે
સ્પષ્ટ કર્યુ હતું કે, ફક્ત શાંતિપૂર્ણ વિરોધ કરવા કે તેમાં ભાગ લેવાનાં કારણે કોઈ
નાગરિકને શહેરની બહાર કરવો બંધારણનાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
અદાલતે
આગળ પોલીસને કહ્યું હતું કે, શું અસહમતી દેખાડનાર નાગરિકો સામે અપરાધિક કેસ દાખલ કરીને
તેને સરકારનાં ગુલામ બનાવી નાખવા માગે છે? પોલીસ જનતાની સેવક છે. કોઈ રાજકીય સત્તા
કે નેતા કે અધિકારીઓની સેવક નથી. સરકાર, રાજકીય પક્ષો કે તેનાં નેતાઓ વિરુદ્ધ નારાબાજી
કરવી કે વિરોધ દર્શાવવો પ્રત્યેક ભારતીય નાગરિકનો બંધારણીય અધિકાર છે. આ સાથે જ હાઈકોર્ટે
પોલીસની કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી દીધી હતી.