વર્ષે 43 અબજ ડોલર જેટલી કમાણીનું ઈરાનનું લક્ષ્ય : ડોલરનાં બદલે ચીન અને રશિયાનાં ચલણમાં ટોલ વસૂલવાની રણનીતિ
નવી
દિલ્હી, તા.3: હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ વસૂલાતની જટિલ ગૂંચવણ
ઉકેલાઈ ગઈ છે અને આમાં આખી દુનિયાને મોટો ઝટકો લાગશે. હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો
પાસેથી ઈરાન આશરે 1 મિલિયન ડોલરનો ટોલ ઉઘરાવશે. કતારમાં યોજાયેલી બેઠક દરમિયાન અમેરિકાને
આની જાણકારી આપવામાં આવી હતી. અમેરિકાએ આમાં છેલ્લી ઘડી સુધી ટોલ ઉઘરાણાની યોજના પડતી
મૂકવાનો આગ્રહ રાખ્યો હતો અને ઈરાનને આનાં માટે અનેક પ્રકારનાં પ્રલોભનો પણ આપવામાં
આવ્યા હતાં. જો કે ઈરાન આમાં ટસનું મસ થયું નહોતું.
ઈરાન
હોર્મુઝમાં ટોલ ઉઘરાવીને દર વર્ષે 43 અબજ ડોલર વસૂલવા માગે છે. જેમાં તેને દૈનિક
117.8 મિલિયન ડોલરની આવક થાય છે. સામાન્ય દિવસોમાં હોર્મુઝમાંથી રોજ 120 જહાજ પસાર
થાય છે. આ ઉઘરાણાની યોજના વિશે ઈરાને પોતાનાં પાડોશી દેશોને જાણ પણ કરી દીધી છે. ઈરાને
સ્પષ્ટ કરી દીધું છે કે, પનામાની માફક હોર્મુઝમાં ટોલ ઉઘરાવવાનો તેને પણ અધિકાર છે.
આટલું
જ નહીં ઈરાન અહીંથી પસાર થતાં જહાજો પાસેથી ડોલરનાં બદલે ચીન કે રશિયાનાં ચલણમાં ટોલ
વસૂલવા માગે છે. જે અમેરિકા અને ડોલર માટે ફટકા સમાન બની રહેશે. બીજીબાજુ દુનિયાનાં
દેશો પણ ઈરાનની આ ટોલ વસૂલાતને સ્વીકારશે કે નહીં તે વધુ એક મોટો સવાલ બની જાય છે.
જો અમેરિકા હવે આ મામલે ઝૂકી જાય તો આ જંગમાં ઈરાનની અત્યાર સુધીની સૌથી મોટી જીત બની
જશે.