• રવિવાર, 01 નવેમ્બર, 2026

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અંતિમ T-20 મેચ

શ્રેણી 4-1થી અંકે કરવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે, વરુણ અથવા કુલદીપને તક મળી શકે

નવી દિલ્હી, તા.31: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મુકાબલો રવિવારે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાશે. જેમાં ભારતીય ટીમનું બાલિંગ પાસું ફરી કેન્દ્રમાં રહેશે.

ભારતીય ટીમે પ્રારંભિક ત્રણ મેચ જીતીને શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. જોકે, શુક્રવારે ઓકલેન્ડ ખાતે રમાયેલી ચોથી ટી20માં કિવી ટીમે વળતો પ્રહાર કરી વિજય મેળવતાં શ્રેણીનો સ્કોર 3-1 થયો છે. હવે ટીમ ઇન્ડિયા અંતિમ મેચ જીતીને શ્રેણી પર 4-1થી વિજયી મહોર મારવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બાલિંગ આક્રમણ રહ્યું છે. ચોથી ટી20માં ભારતીય બોલરો દિશાહીન સાબિત થયા હતા અને 20 ઓવરમાં 259 રન લૂંટાવ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ સેડન પાર્કની નાની બાઉન્ડ્રી પર બોલરો પાસેથી વધુ સચોટ લાઈન-લેન્થ અને સુધરેલા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવા અંગે વિચારણા કરી શકે છે. વરુણ અને કુલદીપ વિશ્વના ટોચના ટી20 સ્પિનરોમાં સ્થાન ધરાવે છે, પરંતુ કિવી ટીમ સામેની પ્રથમ ચાર મેચોમાં તેઓ બેન્ચ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા. શ્રેણી પહેલેથી જ ભારતના નામે થઈ ચૂકી હોવાથી, મેનેજમેન્ટ આ બન્નેને મેદાનમાં ઉતારી થોડો મેચ-ટાઇમ આપવાનો વિચાર કરી શકે છે. આ ઉપરાંત, શિવમ દુબે, ભુવનેશ્વર કુમાર અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓને પણ તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક