• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

સેહવાગ અને દ્રવિડના પુત્રોને અંડર-19 એશિયા કપ માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન

8 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

 મુંબઈ, તા.30 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમનું નેતૃત્વ લક્ષ્ય રાયચંદાની કરશે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે.

વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ (વિકેટકીપર) બન્ને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 5થી 14 નવેમ્બર દરમિયાન ઓમાનના મસ્કત ખાતે યોજાશે. ભારતીય ટીમ 6 નવેમ્બરે નેપાળ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 8 નવેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હાઇ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે, જ્યારે 10 નવેમ્બરે ભારતનો સામનો યુએઈ સામે થશે. ભારતના તમામ ગ્રુપ મુકાબલા મસ્કત સ્થિત ઓમાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે રમાશે.

ભારતીય અંડર-19 સ્ક્વોડ

લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધનાસિંહ ચૌહાણ (વાઇસ કેપ્ટન), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સાવસાણી, મોહિત ઉલ્વા, કાવ્ય પટેલ, શાવિન વિનોદ અને ઈશાન સૂદ.

 

ઇ-પેપરના નવા શુલ્ક