• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ટૂંક સમયમાં આવશે 10 અને 20 રૂપિયાની પોલિમર નોટ

પાયલોટ પ્રોજેક્ટ 1 એપ્રિલ 2027થી શરૂ થવાની વકી : નોટની સાઈઝ યથાવત્ જાળવી રખાશે

નવીદિલ્હી,તા.30: ભારતીય રિઝર્વ બેન્કે(આરબીઆઈ) 10 અને 20 રૂપિયાની પોલિમર (પ્લાસ્ટિક) નોટ માટે એક મેગાપ્લાન બનાવ્યો છે. ટૂંક સમયમાં જ 10 અને 20 રૂપિયાની પોલિમર નોટનો પ્રારંભિક-પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી શકે છે.

આ નવી પ્લાસ્ટિક નોટોની સાઈઝ અત્યારે છે એટલી જ રાખવામાં આવશે. તેનો હેતુ બેન્કોને એટીએમ મશીનમાં ફેરફારનાં મોટા ખર્ચથી બચાવવાનો છે. આ યોજનાની શરૂઆત 1 એપ્રિલ 2027થી થઈ શકે છે.  જો નવી નોટોનું કદ અગાઉની નોટો કરતાં અલગ રાખવામાં આવે તો બેન્કોએ એટીએમ મશીનોમાં અનેક ફેરફારો કરવા પડે અને તેમાં રોકડ રાખવાના બોક્સ (કેસેટ), નોટ ઓળખનારા સેન્સર અને મશીનોની સાટિંગ્સ બદલવા પડે. એન્જિનિયરોને બોલાવીને મશીનોને ફરીથી યોગ્ય રીતે સેટ કરાવવા પડે અને તેનાં માટે બેન્કોને મોટો ખર્ચ થઈ શકે. તેથી જો નવી પોલિમર નોટોનું કદ અગાઉની નોટો જેટલું જ રાખવામાં આવે તો બેન્કોને વધારાનો આવો કોઈ ખર્ચ વહન કરવો ન પડે.

જ્યારે દેશમાં નવી 100 અને 200 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી, ત્યારે દેશભરમાં આશરે 2.4 લાખ એટીએમ મશીનોમાં ફેરફાર કરવા પડ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા પાછળ અઝખ ઇન્ડસ્ટ્રીને આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

પોલિમર નોટો બનાવવાની તૈયારી ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (બીઆરબીએનએમપીએલ) દ્વારા કરવામાં આવી રહી છે. આ કામ માટે અત્યાર સુધીમાં 6 કંપનીઓએ પોતાની બોલી રજૂ કરી છે. તેમાં ભારતની પોલિમર સાયન્સ કંપની યુફ્લેક્સ પણ સામેલ છે, જેણે અમેરિકાની સ્પેક્ટ્રા સિસ્ટમ્સ સાથે મળીને બિડ રજૂ કરી છે.

ટેન્ડર અનુસાર, 68,000 રીમ બીઓપીપી (બાયએક્સિયલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલીન) મટિરિયલની જરૂર પડશે.

તેમાંથી 34,000 રીમ 10 રૂપિયાની નોટો માટે અને 34,000 રીમ 20 રૂપિયાની નોટો માટે રાખવામાં આવી છે. આ મટિરિયલ પર ખાસ પ્રકારનું કાટિંગ કરવામાં આવશે, જેથી નોટોની છાપકામની ગુણવત્તા સારી રહે અને શાહી યોગ્ય રીતે ચોંટેલી રહે. આ ઉપરાંત, તેમાં એન્ટી-સ્ટેટિક કાટિંગ પણ જરૂરી રહેશે. ટેન્ડરમાં બીજી એક ખાસ શરત પણ રાખવામાં આવી છે. નોટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા મટિરિયલમાં પ્રાણીઓની ચરબી (એનિમલ ટેલો) અથવા તેમાંથી મળતું ડીએનએ હોવું જોઈએ નહીં.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ઓગસ્ટ મહિનામાં જણાવ્યું હતું કે, પોલિમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીમાં 2થી 4 ગણી વધુ લાંબો સમય ચાલી શકે છે. જોકે, ભારતમાં આ નોટોને મોટાપાયે બહાર પાડતાં પહેલાં અલગ-અલગ હવામાન અને રાજિંદા ઉપયોગની પરિસ્થિતિઓમાં તેમની મજબૂતીની તપાસ કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક