• શનિવાર, 07 નવેમ્બર, 2026

ગીર સોમનાથમાંથી 36.76 લાખનો દારૂ ઝડપાયો

ત્રણ દિવસમાં રેન્જ આઈ.જીની ટીમનો બીજો દરોડો: કપાસ-ભૂંસાના બાચકાની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો, ટ્રક સહિત રૂ.46.85 લાખનો મુદ્દામાલ જપ્ત

વેરાવળ,સુત્રાપાડા,તા.6: જુનાગઢ રેન્જ આઈ.જીની ટીમે સુત્રાપાડા-સોમનાથ હાઇવે પર ન્યૂ મધુવન હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરની 559 પેટી ઝડપી પાડી છે. કપાસ-ભૂંસાના પ્લાસ્ટિકના બાચકાની આડમાં છુપાવેલા રૂ.36.76 લાખના દારૂ સહિત ટ્રક અને મોબાઇલ મળી કુલ રૂ.46.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકને ઝડપી લેવાયો હતો.

રેન્જ આઈ.જી રાજેન્દ્રાસિંહ ચુડાસમાની સૂચનાથી આર.આર. સેલના પી.આઈ વાય.બી. રાણા, પી.એસ.આઈ આર.જી. ચુડાસમા અને પી.એસ.આઈ બી.ડી. માવદિયાની ટીમે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા ટ્રકચાલક જેઠા મેરૂ કોડીયાતર (રહે. પાસ્તરડી, તા. ભાણવડ) સામે સુત્રાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. દારૂનો જથ્થો મોકલનાર દમણના અજાણ્યા શખ્સ સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક