તળાજા,તા.5ઃતળાજાના સરતાનપર બંદર ગામના સરપંચ સહિત બે વ્યક્તિ વિરુદ્ધ શ્રીરામ ફાયનાન્સના કર્મચારી દ્વારા લોનના હપ્તા ન ભરીને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદને લઈ પોલીસે સરપંચને તાત્કાલિક અરેસ્ટ કર્યા હતા અને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કેસ કાગળ વાંચીને કોર્ટે પોલીસ સામે કેટલીક બાબતોને લઈ આકરૂ વલણ દાખવ્યું હોવાની વાતને લઈ વકીલ મંડળ અને પોલીસ બેડામા ચકચાર મચી ગઈ છે.
સરપંચના વકીલ વી.એસ.ડાભી પાસેથી મળતી વિગતો મુજબ, શ્રીરામ ફાયનાન્સના મેનેજર જીજ્ઞેશ સતીકુંવરએ તળાજા પોલીસ મથકમા ચેતન સરવૈયા (રે.સરતાનપર) તથા સરતાનપર ગામના સરપંચ હરેશ વેગડ વિરુદ્ધ લોન લઈને પૂરતા હપ્તા ન ભરીને છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમા ઉલ્લેખ હતો કે લોન, ચેતન સરવૈયાએ લીધી છે. ફરિયાદના પગલે પોલીસે સરપંચ હરેશ વેગડની ધરપકડ કરી આજે તેઓને કોર્ટમા રજૂ કર્યા હતા. જેમા એફ.આઈ.આર. ઉપરાંત રજૂ થયેલા કેસ પેપર જોઈને કોર્ટેએ પોલીસે રજૂ કરેલા અટકના કારણો જ ગ્રાહ્ય રાખ્યા ન હતા. સાત વર્ષની સજાની જોગવાઈના હરનેશકુમારના જજમેન્ટને જોતા પોલીસ આ કેસમાં નોટિસ આપીને કાનૂની કાર્યવાહી કરી શકે તેમ હોવાનું માનવામાં આવ્યુ હતું. કોર્ટે અટક્યાત કર્યાના કારણો જ ન સ્વીકારતા આખરે રિમાન્ડ માગવાની પોલીસને નોબત જ આવી ન હતી. જેથી આરોપી પક્ષદ્વારા જામીન અરજી જ મુકાઈ ન હતી. કોર્ટે તપાસમાં સહકાર આપવો,મુદતે હાજર રહેવા જવી શરતોને આધીન જાતમુચરકાના જામીન પર મુક્ત કર્યા હતા. લોન લીધી હોય અને તેમાં હરેશભાઈ વેગડ સામેલ હોય તેવા કોઈ જ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ પણ થઈ શક્યા ન હતા.