કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું, લોકસભા બેઠકો વધીને 816 થશે
નવી દિલ્હી, તા. 28 : સીમાંકન વિધેયક પર દેશભરમાં ચર્ચા
અને વિપક્ષી વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે
શનિવારે સીમાંકન થઈ જાય પછી દેશના રાજકીય નકશામાં આવનાર બદલાવની તસવીર સ્પષ્ટ કરી હતી.
કેન્દ્ર સરકારના કાયદો અને ન્યાયમંત્રી
અર્જુનરામ મેઘવાલે દેશની નવી સંસદીય તસવીર બતાવતાં કહ્યું હતું કે, સીમાંકન બાદ લોકસભાની
બેઠકો 543માંથી વધીને 816 થઈ જશે. નવા સંસદીય નકશાનું ચિત્ર આંકડાની આંખે રજૂ કરતાં
મેઘવાલે જણાવ્યું હતું કે, સીમાંકન થયા બાદ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ બેઠકો વધશે.
દેશના 28 રાજ્યમાં કુલ 789 બેઠક
થઈ જશે, તો આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 27 લોકસભા બેઠક થઈ જશે. ઉત્તરપ્રદેશમાં
આજની તારીખે લોકસભાની 80 બેઠક છે, જે સીમાંકન લાગુ થઈ
ગયા બાદ વધીને 120 થઈ જશે. દિલ્હી સૌથી વધુ 11 લોકસભા બેઠકોવાળો કેન્દ્રશાસિત પ્રદેશ
બનશે. સૌથી ઓછી બે-બે બેઠકો નાગાલેન્ડ, સિક્કીમ, મિઝોરમની હશે.
સંસદમાં સીમાંકન ખરડાને રજૂ કરવા
માટેનો વધુ એક માર્ગ પ્રશસ્ત થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ‘સીમાંકન (દ્વિતીય)
ખરડો-2026’ અંગે વિચાર કરવા લોકસભાને ભલામણ કરી હતી. આ પગલું 30 નવેમ્બર સોમવારથી ત્રીજી
ડિસેમ્બર સુધી ચાલનારાં સંસદનાં વિશેષ સત્રથી અગાઉ ભરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કેન્દ્રીય
મંત્રી મંડળની મંજૂરી મળ્યા બાદ આ ખરડો વિશેષ સત્ર દરમ્યાન લોકસભામાં રજૂ થવાનો છે.
ખરડામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની સાથે જ વિધાનસભા બેઠકોમાં પણ
50 ટકા વધારો કરવાનો પ્રસ્તાવ છે.
આ જ સંદર્ભમાં એક અન્ય ખરડો બંધારણ
(132મું સંશોધન) ખરડો પણ રજૂ થવાનો છે, જે અનુસાર 2051 સુધી લોકસભામાં દરેક રાજ્યની
ભાગીદારી અગાઉ જેટલી જ બની રહે તેની જોગવાઇ છે. બંને ખરડા સોમવારે લોકસભામાં રજૂ થશે.
સીમાંકન બાદ લોકસભામાં કુલ બેઠકની સંખ્યા વધીને 850 થઇ જશે, જેમાં 815 બેઠક રાજ્યથી
અને 35 કેન્દ્રશાસિત પ્રદેશથી હશે.
રાષ્ટ્રપતિએ આ ભલામણ બંધારણના
અનુચ્છેદ 117 (3) હેઠળ કરી છે, જે આર્થિક ખરડાઓથી
જોડાયેલી વિશેષ જોગવાઇઓ સંબંધિત છે. નિયમો અનુસાર જ્યાં સુધી રાષ્ટ્રપતિ તેના પર વિચાર
કરવા ભલામણ ન કરે ત્યાં સુધી સંસદનું કોઇ પણ ગૃહ આ પ્રકારના ખરડાને પસાર કરી શકતું
નથી.
પ્રસ્તાવિત ખરડા હેઠળ 1976થી
ચાલી આવતી 1971ની વસ્તીગણતરીના આધારે રાજ્યોની લોકસભા બેઠકોની ભાગીદારીનું માળખું યથાવત્
રહેશે, પરંતુ દરેક રાજ્યની લોકસભા બેઠકોની સંખ્યામાં 50 ટકા વધારો થશે.