• રવિવાર, 29 નવેમ્બર, 2026

સાધુ-સંતો અને બ્રાહ્મણ બુદ્ધિજીવી વર્ગ વચ્ચેના ભેદભાવ દૂર થાય તો સનાતનનું સંગઠન વધુ મજબૂત બનશે ઃ રાજેન્દ્રદાસ મહારાજ

સોમનાથમાં સપ્તમ સંત સંસદનો પ્રારંભ ઃ સનાતનની એકતા અને ગૌરક્ષા મુદ્દે સંતોનું મંથન

 

વેરાવળ,તા.28ઃ ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સપ્તમ સંત સંસદ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. સોમનાથના સાગરદર્શન હોલ ખાતે યોજાઈ રહેલી ત્રણ દિવસીય સંત સંસદમાં દેશ-િવદેશના 100થી વધુ સંતો-મહંતો એક મંચ પર એકત્રિત થયા છે. ’રાષ્ટ્ર કી બાત’ થીમ હેઠળ યોજાઈ રહેલા આ આયોજનમાં સનાતન સંસ્કૃતિનું સંવર્ધન, રાષ્ટ્રહિત, સામાજિક સમરસતા, નદીઓનું શુદ્ધિકરણ, પર્યાવરણ સંરક્ષણ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચિંતન-મંથન કરવામાં આવી

રહ્યું છે.

સંત સંસદમાં અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસજી મહારાજે સનાતન ધર્મની એકતા અને સંગઠનને લઈને જણાવ્યું હતું કે, સનાતન સમાજમાં સાધુ-સંતો અને બ્રાહ્મણ બુદ્ધિજીવી વર્ગ વચ્ચે ક્યાંક ને ક્યાંક ભેદભાવ જોવા મળે છે. આ ભેદભાવ દૂર કરી બંને વર્ગ એક મંચ પર આવશે તો સનાતન ધર્મની એકતા અને સંગઠન વધુ મજબૂત બનશે. સંજય ગિરિજીની દેખરેખ હેઠળ દેશભરના સંત-મહાત્માઓનું આ સંમેલન યોજાયું છે. સનાતન ધર્મના વિવિધ પાસાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. સનાતન ધર્મ અગાઉ પણ રામમય હતો અને સમગ્ર વિશ્વમાં તેનો ડંકો વાગતો હતો. આજે પણ સનાતનની પરંપરા આગળ વધી રહી છે ત્યારે ભવિષ્યમાં પણ તેનો પ્રભાવ અને ગૌરવ જળવાઈ રહે તે માટે સૌએ એકજૂથ થઈને કાર્ય કરવાની જરૂર છે.

સંત સંસદમાં સનાતન હિંદુ ધર્મની સુરક્ષા ઉપરાંત ગૌમાતાનું રક્ષણ, મઠો અને મંદિરોની સલામતી તથા પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પરંપરાના જતન જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચા-િવચારણા બાદ તા.29ના રોજ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરીને સંત સંસદનું સમાપન કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક