• રવિવાર, 29 નવેમ્બર, 2026

મોડાસા: બે દરોડોમાં દારૂના 2,309 બોટલ-ટીન સાથે બે આરોપી ઝડપાયા

મોડાસા, તા.28 : અરવલ્લી એલ.સી.બી.ની. ટીમે બે અલગ-અલગ કાર્યવાહીમાં દારૂ-બિયરના જથ્થા સાથે બે શખસને ઝડપી લીધા હતા. ટીંટોઇ નજીક જામાપુર ગામની સીમમાં ક્રિષ્ણા નર્સિંગ કોલેજ નજીક શામળાજીથી મોડાસા તરફ આવતા હાઇ વે પર વાહન ચાકિંગ દરમિયાન ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે રૂ.2,70,655ની કિંમતનો કુલ કુલ 1,061 બોટલ-ટીનનો જથ્થો, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.8,80,655નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ કારચાલક જય મહેશકુમાર પીઠડિયાને ઝડપી પાડયો હતો જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર બિપીન દેવજીભાઈ પારઘી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. બીજી કાર્યવાહીમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીણાવાડ ગામે વાહન ચાકિંગ દરમિયાન મેઘરજ તરફથી આવતી કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલક કાર લઈને ફરેડી ગામ તરફ ભાગ્યો હતો. પોલીસે પીછો કરી કારચાલક પુષ્પેન્દ્રાસિંહ ગુલાબાસિંહ ચુડાવતને ઝડપી પાડયો હતો. કારમાંથી રૂ.3,09,360ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 32 પેટીમાં 1,248 બોટલ-ટીનનો જથ્થો, કાર મળી કુલ રૂ.10,09,360નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં મુકેશ નામનો શખસ વોન્ટેડ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક