• શનિવાર, 28 નવેમ્બર, 2026

ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ કરાર

મક્કા કરારની ચર્ચા વચ્ચે નેક્સ્ટ જેન હથિયારો સાથે ત્રણ મોટી જાહેરાત

નવી દિલ્હી, તા. 27 : પશ્ચિમ એશિયાની રાજનીતિમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રાદેશિક સુરક્ષા ગઠબંધનો અને ‘મક્કા પેક્ટ’ જેવી ચર્ચાઓ તેજ બની છે, તો બીજી તરફ ભારત અને સંયુક્ત આરબ એમિરેટ્સે પોતાના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડયા છે. અબુધાબી ખાતે યોજાયેલી ભારત-યુએઈની 14મી જોઇન્ટ ડિફેન્સ કો-ઓપરેશન કમિટી (જેડીસીસી)ની બેઠકમાં બંને દેશ માત્ર હથિયારોની ખરીદ-વેચાણ પૂરતા સીમિત ન રહેતા હવે સાથે મળીને આધુનિક હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ બનાવવા પર સહમત થયા છે.

અબુધાબીમાં યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહ અને યુએઈના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ નાસિર એમ. અલ અલાવીએ કરી હતી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં વર્તમાન ‘નો વોર, નો પીસ’ એટલે કે ન તો સંપૂર્ણ યુદ્ધ અને ન તો સંપૂર્ણ શાંતિ જેવા જટિલ વૈશ્વિક માહોલ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.  આ બેઠકમાંથી ભારત અને યુએઈના સંરક્ષણ સહયોગને મજબૂત કરતા ત્રણ મુખ્ય પાસાં સામે આવ્યાં છે. પ્રથમ, બંને દેશ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ-જનરેશનના આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોનું સહ-વિકાસ (કો-ડેવલપમેન્ટ) અને સહ-ઉત્પાદન (કો-પ્રોડક્શન) કરવાની પ્રક્રિયા ઝડપી બનાવશે.

બીજું, આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજી અને ડેટાનું મહત્ત્વ જોતા બંને દેશ ઇનોવેશન, એડવાન્સ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારશે. ત્રીજું, આ યોજનાઓ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે બંને સહ-અધ્યક્ષો આગામી જેડીસીસી બેઠક પહેલાં નિયમિત સમયાંતરે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા અને દેખરેખ રાખશે.

સરકારી સ્તરની સમજૂતીને વાસ્તવિક રૂપ આપવા માટે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહ સાથે ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ અબુધાબી પહોંચ્યું હતું. બંને દેશની કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી, જેમાં સંયુક્ત સાહસોની તકો તપાસવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે યુએઈના તવાઝુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મુલાકાત લઈને તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક