• રવિવાર, 29 નવેમ્બર, 2026

બેક્ટેરિયાથી બિસલેરી પર ફરી બબાલ

પશ્ચિમ બંગાળના નમૂના નિષ્ફળ : ફસાઈની કેસ ચલાવવા બીજીવાર મંજૂરી

કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના નમૂનામાં કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા છે. ત્યારબાદ ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો સત્તામંડળ (ફસાઈ)એ કંપની વિરુદ્ધ  કેસ ચલાવવાને મંજૂરી આપી દીધી છે.  ફસાઈના જણાવ્યા મુજબ પ્રાથમિક અને રેફ્રરલ બન્ને લેબોરેટરીમાં તેને પુષ્ટિ મળી છે. કોલિફોર્મ બેક્ટેરિયા ગટરના ગંદા પાણી કે ગંદા પાઈપ મારફતે પીવાના પાણીમાં પહેંચી શકે છે.

આ પહેલાં ગોવામાં બિસ્લેરીના પાણીના નમૂનામાં કેન્સર સાથે સંકળાયેલા કેમિકલ બ્રોમેટ અને પોલીન્યૂક્લીયર એરોમેટિક હાઈડ્રોકાર્બન (પીએએચ) મળ્યા હતા. ત્યારે પણ કંપની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

ફસાઈએ બિસ્લેરીના બેચ નં. પીબી.-201ના પાણીના નમૂના તપાસ માટે લીધા હતા. આ નમૂના પશ્ચિમ બંગાળના જલપાઈગુડી ખાતે આવેલા કંપનીના પ્લાન્ટમાંથી લીધા હતા. આ બેચને 20મી જુલાઈ 2026ના બનાવાયો હતો અને તેની એક્સપાયરી ડેટ 19મી જાન્યુઆરી હતી.

બે લેબોરેટરીમાં બેક્ટેરિયા મળ્યા હોવાનું જાહેર કરાયા પછી 12મી ઓગસ્ટ 2026ના આ બેચના વેચાણ પર રોક લગાવી દેવાઈ હતી. આ કાર્યવાહી બિસ્લેરીના એક બેચ પીબી-201 પર થઈ છે. ફસાઈના સીઈઓ રાજિત પુનહાનીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં પેક પીવાના પાણીના નમૂના લેવાઈ રહ્યા છે. તેની તપાસ આગામી એક-બે મહિનામાં પૂરી થવાની આશા છે.

તેમણે કહ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ કંપનીઓ પાસેથી નિયમોનું પાલન કરાવવાનો છે. નહીં કે લોકોમાં ડર ફેલાવવાનો. ફસાઈએ બધાં રાજ્યોનો ખાદ્ય સુરક્ષા અધિકારીઓને પેક પીવાનું અને મિનરલ પાણીની તપાસ વધારવા નિર્દેશ આપ્યા છે. નિયમભંગ કરનારી કંપનીઓ પર કાર્યવાહી કરવા માટે પણ કહેવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક