• રવિવાર, 29 નવેમ્બર, 2026

એઆઈ : પાંચ વર્ષમાં 2.4 કરોડ નોકરી જોખમમાં

નવી તકો જ નહીં સર્જાય, ‘ગ્રેટ રિસેશન’ કરતાં પણ ખરાબ સ્થિતિ સર્જાવાની ભીતિ

 

વોશિંગ્ટન, તા. 28 ઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઝડપી વિકાસ વિશ્વભરના લાખો ઓફિસ - આધારિત કર્મચારીઓની નોકરીઓ માટે એક મોટો પડકાર બની રહ્યો છે. જેપી મોર્ગન વેલ્થ મેનેજમેન્ટના અહેવાલ મુજબ એઆઈને કારણે આગામી 5ાંચ વર્ષમાં 2.4 કરોડ નોકરી જોખમમાં મુકાઈ શકે છે, જેમાં ‘નોલેજ વર્કર્સ’ (બૌદ્ધિક કે માનસિક કાર્યોમાં સંકળાયેલા કર્મચારીઓ) સૌથી વધુ પ્રભાવિત થશે.

વધુને વધુ કંપનીઓ માનવ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો માટે એઆઈ આધારિત બની રહી છે. જેપી મોર્ગનનો અંદાજ છે કે, વૈશ્વિક સ્તરે આગામી 5ાંચ વર્ષમાં એઆઈ  વાર્ષિક ધોરણે 1.3 ટકા ‘નોલેજ વર્કર્સ’નું સ્થાન લઈ શકે છે.

અહેવાલ મુજબ એઆઈ લાગુ કરવાનો ખર્ચ માનવ કર્મચારીઓને રાખવાના ખર્ચ કરતાં લગભગ અડધો છે. આ બદલાવોને જોતાં કંપનીઓ સીધી છટણી કરવાને બદલે ખાલી પડેલી જગ્યાઓ ન ભરવાનું વલણ અપનાવી શકે છે.

એક નોંધપાત્ર જોખમ એ પણ દર્શાવાયું છે કે, જો નોકરીઓનું નુકસાન અમુક ચોક્કસ વ્યવસાયો કે ક્ષેત્રોમાં કેન્દ્રિત થઈ જાય, તો પરિસ્થિતિ અતિગંભીર બની શકે છે અને અમુક વિસ્તારોમાં આર્થિક તથા રાજકીય દબાણ ઊભું થઈ શકે છે.

જેપી મોર્ગને નોકરીઓ ગુમાવવાની આ ગતિની સરખામણી 2000ના દાયકામાં જોવા મળેલી સ્થિતિ સાથે કરી છે. દર વર્ષે કુલ રોજગારના આશરે બે ટકા હિસ્સાનું નુકસાન થઈ શકે છે, જે દર 2000ના દાયકામાં ઉત્પાદન ક્ષેત્રે નોકરીઓ ઘટવાના દર કરતાં ચાર ગણો ઝડપી છે. 

વિશ્લેષકોનું માનવું છે કે, આ દર ‘ધ ગ્રેટ રિસેશન’ (મહામંદી) દરમિયાન જોવા મળેલા નોકરી ગુમાવવાના દરની સમકક્ષ હોઈ શકે છે. જો કે, ‘ગ્રેટ રિસેશન’ બે વર્ષ સુધી ચાલ્યું હતું, જ્યારે એઆઈ આધારિત આ તબક્કો ઓછામાં ઓછા 5ાંચ વર્ષ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

જેપી મોર્ગનના વિશ્લેષકોના મતે એઆઈ અપનાવવામાં અગ્રેસર યુનાઈટેડ સ્ટેટ્સ પર જ તેની સૌથી ગંભીર અસર પડવાની શક્યતા છે. જોખમમાં રહેલી નોકરીઓમાંથી બે-તૃતીયાંશ નોકરીઓ માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાંથી એટલે કે આગામી 5ાંચ વર્ષમાં 1.6 કરોડ અથવા પ્રતિ વર્ષ 30 લાખ કર્મચારીઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક