સિસ્ટમ અપગ્રેડ કરતા સમયે સામે આવ્યો બનાવ ઃ માઇગ્રેશન અને અપડેટ્સ થંભ્યા
વોશિંગ્ટન,
તા. 28 ઃ અમેરિકામાં ફરી એક વખત હેકર્સ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલ
અનુસાર હેકર્સે અમેરિકી વાયુસેનાના મુખ્ય ક્લાઉડ કોમ્યુટિંગમાં ઘૂસણખોરી કરી હતી. સૂત્રો
અનુસાર સિસ્ટમને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સમગ્ર બનાવ બહાર આવ્યો
હતો. હેકિંગની આ ઘટનાનાં કારણે પૂરા પ્લેટફોર્મના કામકાજમાં અડચણ ઉભી થઈ હતી. જો કે
હેકર્સ કોણ હતા અને હેકિંગનો દાયરો કેટલો હતો તેમજ હેકિંગમાં ડેટા ચોરી થયો છે કે નહીં
તે અંગે કોઈપણ માહિતી સામે આવી શકી નહોતી. આ ઘટનાથી સંવેદનશીલ માહિતી, કર્મચારી અને
લોજિસ્ટિક સંબંધિત ડેટાનો એક મોટો હિસ્સો જોખમમાં મુકાવાની આશંકા છે.
અમેરિકી
વાયુસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે પોતાના નેટવર્ક અને સિસ્ટમની સુરક્ષા,
તેમાં રહેલા કર્મચારીઓ અને કામ કરવાની રીત અંગે માહિતી બહાર પાડતું નથી. આ જાણકારી,
સિસ્ટમ અને સૈન્ય અભિયાન સુરક્ષિત રાખવા માટે સતત પગલાં ભરવામાં આવે છે. 2017માં શરૂ
થયેલું ક્લાઉડ વન વાયુસેનાની આઇટી જરૂરિયાત માટે વન સ્ટોપ શોપનાં રૂપમાં બનાવવામાં
આવ્યું હતું. જેમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન, ઓરેકલ અને આલ્ફાબેટનાં સંસાધન સામેલ છે.
તેનાથી ડઝનેક એપ્લિકેશન ચાલે છે. જેમાં ડેટા, વેતન, લોજિસ્ટિક અને મેન્ટેનન્સ સામેલ
છે.
આ ઉપરાંત
એરફોર્સનું ક્લાઉડ બેસ્ડ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સામેલ છે. જે ઉત્તરી અમેરિકાથી
એર ડિફેન્સ સિસ્ટમ રડાર અને અન્ય ડેટા એકત્રિત કરે છે. થિએટર ઇન્ટિગ્રેટેડ કોમ્બેટ
મ્યુનિશન્સ સિસ્ટમ દુનિયાભરમાંથી 200થી વધારે સ્થળોએ બોમ્બ અને મિસાલોને ટ્રેક કરે
છે.