બીજા દિવસના અંત સુધીમાં ગિલની ટીમે 116માં જ છ વિકેટ ગુમાવી : ન્યુઝિલેન્ડના પહેલી ઇનિંગમાં 356 રન
ક્રાઇસ્ટચર્ચ,
તા. 28 : ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીના બીજા મેચમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ ઉપર છે.
બીજા દિવસના અંત સુધીમાં શુભમન ગિલની ટીમે 116 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી છે. શ્રેણીનો
આ નિર્ણાયક મુકાબલો ક્રાઇસ્ટ ચર્ચના હેગલે ઓવલનાં મેદાનમાં રમાઈ રહ્યો છે. શનિવારે
બીજા સેશનમાં જ ન્યુઝિલેન્ડની પહેલી ઇનિંગ 356માં સમેટાઈ હતી, જો કે પહેલી ઇનિંગમાં
મેજબાન ટીમ હજી પણ 240 રને આગળ છે અને ભારતનો ટોપ ઓર્ડર એકદમ નિષ્ફળ સાબિત થયો છે.
ભારતીય
ટીમની પહેલી ઇનિંગમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી ઇનિંગની પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલને મેટ હેનરીએ ખાતું ખોલ્યા વિના પેવેલિયન
મોકલ્યો હતો. બાદમાં બીજી વિકેટ માટે કે એલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે મળીને 33 રન
જોડયા હતા. પડિક્કલ 20 બોલનો સામનો કર્યા બાદ 21 રને કાઇલ જેમિસનના બોલે આઉટ થયો હતો.
કેપ્ટન શુભમન ગિલ પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને ટીમ બ્રેક પહેલા અંતિમ ઓવરમાં
જેમિસને આઉટ કર્યો હતો. ગિલે 27 રન કર્યા હતા.
શરૂઆતમાં
સંભાળીને રમ્યા બાદ ઋષભ પંતે જેકબ ડફીને છગ્ગો ફટકાર્યો હતો. જો કે વધુ એક સિક્સર ફટકારવાની
કોશિશમાં પંતની ઇનિંગનો અંત થયો હતો. ઓપનિંગ કરવા ઉતરેલો કે એલ રાહુલ 25 રન બનાવીને
જેકબ ડફીનો શિકાર બન્યો હતો. તેણે 80 બોલનો સામનો કર્યો હતો. 104ના કુલ સ્કોરે ભારતને
પાંચમો ઝટકો લાગ્યો હતો. સ્ટમ્પ પહેલા અંતિમ બોલે વોશિંગ્ટન સુંદર 60 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ
45 બોલમાં 7 રન કરીને નોટઆઉટ હતો. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 91 બોલમાં 12 રન જોડયા હતા.
કાઇલ જેમિસન અને જેકબ ડફીએ 2-2 અને હેનરી અને નાથન સ્મિથે 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા
ન્યુઝિલેન્ડે પાંચ વિકેટે 246 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. દિવસની બીજી જ ઓવરમાં
ગ્લેન ફિલિપ્સ 36 રન કરીને અંશુલ કંબોજનો શિકાર બન્યો હતો. ટોમ બ્લંડેલે નાથન સ્મિથન
સાથે મળીને સાતમી વિકેટ માટે 44 રન જોડયા હતા. સ્મિથ 26 રન કરીને આકાશ દીપનો શિકાર
બન્યો હતો. બ્લંડેલ સદીથી ચુક્યો હતો અને 89 રને આઉટ થયો હતો. આ મેચમાં આકાશ દીપે પાંચ
વિકેટ હોલ લીધી હતી.