• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

સવા દસ લાખની ઉઘરાણીના મામલે કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી બેફામ ધોકાવ્યો

ચાર શખસે રાતથી સવાર સુધી કમર

પટા - પાઇપથી માર્યો : હુમલાખોરોની શોધખોળ

મારકૂટ કરી વીડિયો ઉતારી 22 લાખની માગણી કરી

રાજકોટ, તા.ર9 : કોઠારિયા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર યુવાનનું સાડા દસ લાખની ઉઘરાણી મામલે ચાર શખસે એક્ટિવામાં અપહરણ કરી મોડી રાતથી સવાર સુધી કમરપટા અને પાઇપથી બેફામ મારકૂટ કરી વીડિયો ઉતારી રૂ.રર લાખની ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચારેય હુમલાખોર સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, કોઠારિયા રોડ પરના સનાતન પાર્કમાં રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં જગદીશ મનસુખ આસોદરિયા નામના યુવાને દર્શિત સોરઠિયા, હુડકો ચોકડી પાસેની રામનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ ઠુમ્મર, હિતેષ ડોડિયા અને એક અજાણ્યા શખસે સાડા દસ લાખની ઉઘરાણી મામલે અપહરણ કરી બેફામ મારકૂટ કરી રૂ.રર લાખની ઉઘરાણી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે ચારેય શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં કોન્ટ્રાક્ટર જગદીશ આસોદરિયાએ ધંધામાં જરૂરિયાત ઉભી થતાં રણુજા મંદિર પાસેના કનૈયા ચોકમાં રહેતા મિત્ર દર્શિત સોરાઠિયા પાસેથી સાડા દસ લાખની રકમ લીધી હતી અને દર્શિત દ્વારા અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. દરમિયાન ગત તા.ર8/9ના દર્શિત ઘેર આવ્યો હતો અને જગદીશને વાત કરવા બહાર બોલાવ્યો હતો ત્યારે તેની સાથે દિવ્યેશ ઠુમ્મર સહિત બે શખસ સાથે આવ્યા હતા અને દિવ્યેશ ઠુમ્મરે પૈસાની ઉઘરાણીની વાત કર્યા બાદ બળજબરીથી એક્ટિવામાં બેસાડી રામનગર સોસાયટીમાં એક પાનની દુકાન પાસે લઈ ગયા હતા ત્યારે પૈસાની ઉઘરાણી કરી રૂ.રર લાખની માગણી કરી હતી અને કમરપટા અને પાઇપથી બેફામ મારકૂટ કરી હતી અને જગદીશનો વીડિયો ઉતારી નાણાં કબૂલાવ્યા હતા અને દિવ્યેશ તથા હિતેષ ડોડિયા અને અજાણ્યા શખસે મારકૂટ કરી હતી તેમજ દિવ્યેશે આ રકમમાં તેના ત્રણ લાખ હોય તે કોને આપ્યાનું પૂછતા જગદીશએ પ્રદીપ લાલા રઘુવંશી કાપડવાળાને આપ્યાનું જણાવતા પ્રદીપને બોલાવી મારકૂટ કરી હતી અને બાદમાં ધમકી આપી ચારેય શખસ નાસી છૂટયા હતા અને ઘવાયેલા જગદીશ આસોદરિયાને હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે ચારેય શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક