• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર રૂપિયા વહેંચવાનો આરોપ

નાલાસોપારાની હૉટેલમાં બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ ચાર કલાક ગોંધી રાખ્યા : આચારસંહિતાના ભંગનો ગુનો નોંધાયો

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસ પહેલાં મતદારોને રીઝવવા માટે નાલાસોપારાની એક હૉટેલમાં રૂપિયા વહેંચવાનો આરોપ ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર બહુજન વિકાસ આઘાડીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુર દ્વારા મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કરેલી ફરિયાદના આધારે તાવડે સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જોકે, આ ફરિયાદ રોકડ રકમ મામલે પણ ચૂંટણી પ્રચાર સમય થયા બાદ આચારસંહિતાના ભંગ બદલ વિરારના તુલિંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે. એ ઉપરાંત, ભાજપના ઉમેદવાર રાજન નાઇક પર પણ કેસ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર મધુકર પાંડેને જણાવ્યા અનુસાર વિનોદ તાવડે અને અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. ચૂંટણી પંચે રૂા. નવ લાખ રોકડ અને કેટલીક ડાયરી તથા દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે.

તાવડેએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેઓ નાલાસોપારામાં કાર્યકર્તાઓને મતદાન દિવસે શું કરવું એનું માર્ગદર્શન આપવા માટે ગયા હતા. વિપક્ષ તથા ચૂંટણી પંચને આ મામલે સંપૂર્ણ તપાસ કરવાનો પડકાર પણ ફેંક્યો હતો. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બર બુધવારના રોજ તમામ 288 બેઠકો માટે મતદાન થવાનું છે. પત્રકારો સાથે વાત કરતાં હિતેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે, કેટલાક ભાજપના નેતાઓએ મને જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડે મતદારોને આપવા માટે રૂા. પાંચ કરોડ લઈને આવી રહ્યા છે. મે વિચાર્યું કે રાષ્ટ્રીય નેતા આ પ્રકારના કામ માટે આવે નહીં, પણ એ આવ્યા હતા. ચૂંટણી પંચને મેં એમની તથા ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી છે. વિનોદ તાવડે હૉટેલમાં ત્રણ કલાક સુધી રહ્યા હતા. જોકે, બીવીએના કાર્યકરોએ પણ મચક આપી નહોતી. બીવીએ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે જે હૉટેલમાં તાવડે રોકાયા હતા એનું સીસીટીવી રેકોર્ડિંગ પણ બંધ કરી નાખવામાં આવ્યું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક