• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

યશ દયાલનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રિઝર્વ બોલર તરીકે સમાવેશ : ખલિલ અહમદ પરત

-મુખ્ય પસંદગીકાર અગરકરનું પૂરી શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રોકાણ

પર્થ, તા.20: ડાબોડી અનકેપ્ડ મીડિયમ પેસ બોલર યશ દયાલનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતના રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે. તેનું કારણ એ છે કે અન્ય એક રિઝર્વ બોલર ખલિલ અહમદ ઇજાને લીધે સ્વદેશ પરત ફર્યો છે. યશ દયાલ દ. આફ્રિકા સામેની 4 મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં સામેલ હતો પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. તે જોહાનિસબર્ગથી સીધો જ પર્થ પહોંચી ગયો છે. બીસીસીઆઇનાં સૂત્રે જણાવ્યું છે કે અમને મિચેલ સ્ટાર્કની જેમ નેટમાં બોલિંગ કરી શકે તેવા બોલરની જરૂર હતી. ખલિલ બોલિંગ કરી શકતો ન હતો. આથી યશ દયાલને મોકલવામાં આવ્યો છે.

બીજી તરફ બીસીસીઆઈએ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને પાંચ ટેસ્ટની પૂરી શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જ રોકાણ કરવાનું કહ્યંy છે. અગરકરનું હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી સહિતના સિનિયર ખેલાડી સાથે સારું કનેક્શન છે. અગરકર કોચ ગંભીર સાથે મળી ટીમ પસંદગી અને રણનીતિ તૈયાર કરશે. પાછલી ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 0-3ની હાર બાદ સીનીયર ખેલાડીઓ અને કોચ ગંભીરની ઘણી ટીકા થઈ હતી. આ પછી બીસીસીઆઇએ હવે મુખ્ય પસંદગીકાર અગરકરને ઓસ્ટ્રેલિયા રોકી દીધા છે.

ઇ-પેપરના નવા શુલ્ક