• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

સરોવરને સાંજથી જ ખોલવાની ‘અટલ’ હઠથી નથી થઈ શકતો શૈક્ષણિક પ્રવાસ

રાજકોટ શહેર - જિલ્લાની શાળાઓના એક લાખ જેટલા વિદ્યાર્થીઓને સવારથી સાંજ સુધીના પ્રવાસ માટે અટલ સરોવર શ્રેષ્ઠ સ્થળ પરંતુ સમય પ્રતિકુળ હોવાને કારણે શાળાઓ પ્રવાસનું આયોજન કરી શકતી નથી

જયદીપ પંડયા

રાજકોટ, તા. 18 (ફૂલછાબ ન્યૂઝ) : આદિ કાળથી કહેવાય છે કે બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ પાસે કોઈનું ચાલતું નથી પરંતુ હવે તો તંત્ર પણ સારું-નરસું વિચાર્યા વગર હઠે ચડે છે. રાજકોટનાં નજરાણાં અટલ

સરોવરને જ જોઈ લ્યો ! અટલ સરોવરને સવારથી ખોલવાને બદલે

બપોર પછીથી એટલે કે સાંજથી જ ખોલવાની હઠને કારણે રાજકોટ અને આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ તેના શૈક્ષણિક પ્રવાસના આનંદથી વંચિત રહ્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં 900થી વધુ શાળાઓ આવેલી છે. જેમાં એક લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. દરેક શાળા વર્ષમાં ઓછામાં ઓછા એક વખત અને ક્યારેક બે-ત્રણ વખત શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરતી હોય છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે છે. રાજકોટ અને આસપાસના મોટાભાગના હરવા-ફરવાના તેમજ જ્ઞાન મળી શકે એવાં સ્થળોનો પ્રવાસ મોટાભાગની શાળાઓએ કરી લીધો છે પરંતુ અટલ સરોવર, જે બપોરે 4 વાગ્યાથી ખોલવામાં આવે છે, તેનાં કારણે અહીંનો પ્રવાસ બાળકોને કરાવવાનું આયોજન શાળાઓ કરી શકતી નથી.

રાજકોટ જ નહીં, આસપાસનાં ગામના વિદ્યાર્થીઓ પણ માણી શકે

સામાન્ય રીતે રાજકોટના રામવન, પ્રદ્યુમ્નપાર્ક સહિતનાં જોવાલાયક સ્થળે શાળાનાં બાળકોનો પ્રવાસ થઈ ચૂક્યો હોય છે. માત્ર અટલ સરોવર સવારથી નહીં ખૂલતું હોવાને કારણે ત્યાંનો પ્રવાસ અમે યોજી શકતા નથી. જો અટલ સરોવર સવારથી ખૂલે તો રાજકોટ જ નહીં, આસપાસનાં ગામના વિદ્યાર્થીઓ પણ અહીંયા શૈક્ષણિક પ્રવાસ માણી શકે. નાનાં ગામના લોકો માટે પણ આ હરવા-ફરવાનું શ્રેષ્ઠ સ્થળ બની રહે.

-નિતેક્ષા પી કૈલા, ડાયરેક્ટર

- યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ

 

 

વન-ડે પિકનિક માટે

શ્રેષ્ઠ સ્થળ, પણ...

નાનાં બાળકો, પ્રિ-પ્રાઇમરી અને ધોરણ 1થી 5 સુધીનાં બાળકો, જેમને શૈક્ષણિક પ્રવાસ માટે શાળાઓ લાંબા અંતરે લઈ જઈ શકતી નથી, તેમના માટે રાજકોટનું અટલ સરોવર શ્રેષ્ઠ સ્થળ છે. નાના બાળકોને સવારથી સાંજ, વન ડે પિકનિક કરાવવાની હોય ત્યારે સવારથી સાંજ સુધીમાં અટલ સરોવરનો પ્રવાસ તેમના માટે આદર્શ બની રહે. આવા પ્રવાસનું આયોજન સવારથી થતું હોય છે. સવારે શાળાનો પ્રવાસ નીકળે, બ્રેકફાસ્ટ અટલ સરોવર પર થાય, બપોરનું જમવાનું પણ ત્યાં જ રહે અને સાંજે હરી-ફરીને પ્રવાસ પરત રવાના થાય, એ આયોજન બાળકો માટે યાદગાર અને શાળા માટે શ્રેષ્ઠ બની રહે પરંતુ અટલ સરોવર સવારથી ખૂલતું નથી અને સાંજથી રાત દરમિયાન બાળકોને પ્રવાસ કરાવવો સલાહભર્યો નથી, માટે રાજકોટના એક લાખ બાળકો ત્યાંનો પ્રવાસ કરી શકતાં નથી. માત્ર રાજકોટ શહેર-જિલ્લો જ નહીં, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જૂનાગઢ સહિતના જિલ્લાની શાળાને પણ આ અનુકૂળ આવે એવું છે. રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક, રામ વન સહિતનાં સ્થળોનો પ્રવાસ મોટાભાગની શાળાઓએ કરાવી લીધો હોય છે. માત્ર અટલ સરોવર જ નવું સ્થળ છે અને પ્રવાસ માટે યોગ્ય પણ છે. ત્યાં પ્રવાસથી સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક માહિતિ - મનોરંજનના  બહુઆયામી હેતુ સિદ્ધ થાય છે. માટે અટલ સરોવર સવારથી ખૂલવું જ જોઈએ. જો આવાં સ્થળો સવારથી ન ખૂલે તો તેનો પૂરતો લાભ લેવાથી લોકો વંચિત રહે છે અને તેના હોવાનો હેતુ જ માર્યો જાય છે.

ડી વી મહેતા, રાજકોટ શહેર-જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ

 

ઇ-પેપરના નવા શુલ્ક