આગની જ્વાળાઓને કારણે ગોડાઉનની આસપાસના મકાનોની બારીઓના કાચ ફુટી ગયા
રાજકોટ, તા. 1 : શહેરના કાલાવડ રોડ પર વાજડી ગામ પાસે આવેલા મંડપના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓને કારણે આ ગોડાઉનની આસપાસ આવેલા મકાનોની બારીઓના કાચ પણ ફુટી ગયા હતા. જોકે ફાયરબ્રિગેડની ઝડપી કામગીરીને લીધે આગ આસપાસના મકાનો સુધી પ્રસરતા અટકી હતી.
કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ પાસે મંડપના ગોડાઉનમાં મોડી રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મંડપનો સામાન હોય આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાજકોટ કાલાવડ રોડ ફાયર સ્ટેશન અને અન્ય ફાયર સ્ટેશનોની મળી 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની નજીકમાં જ બંગલાઓની સોસાયટી હતી. આથી આગ પ્રસરવાના ભયે આ બંગલાઓમાં રહેતા લોકોની ચિંતા વધી હતી. જો કે, ફાયરબ્રિગેડે તાત્કાલીક પાણીનો મારી ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી હતી. દરમિયાન આગની જ્વાળાના કારણે બંગલાની બારીઓના કાચ ફૂટી ગયા હતા.ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યારી ડેમ રોડ ઉપર આવેલા મંડપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠ્યાના કોલના આધારે કાલાવડ રોડ ફાયર સ્ટેશનની એક ગાડી અને મુખ્ય ફાયર સ્ટેશનની 5 ગાડી સાથેનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગયો હતો. ગોડાઉનનો અડધો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે. જોકે આ આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. નુકસાનનો આંકડો હજુ બહાર આવ્યો નથી. આ ઉપરાંત આગને કારણે ગોડાઉનની પાછળ આવેલી સોસાયટીના બંગલોમાં કાચ ફૂટી ગયા હતા. જોકે ફાયર વિભાગ દ્વારા સોસાયટીમાં આગ ફેલાય તે પહેલા જ કાબુ મેળવી લેવાયો હતો.