• સોમવાર, 30 માર્ચ, 2026

કુખ્યાત ‘ઇભલા ગેંગ’ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું, 89 ગુના નોંધાયેલી ટોળકીના સાગરિતોમાં ફફડાટ


 આતંક મચાવતી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : હત્યા, લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ

રાજકોટ, તા. 29:     શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે કમર કસી છે. શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ભય અને આતંક ફેલાવતી કુખ્યાત ’ઇભલા ગેંગ’ વિરૂદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આજે ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી કરી છે. સંગઠિત ગુનાખોરી ડામવા માટેના આ કડક કાયદાના અમલથી ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

     પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ’ઇભલા ગેંગ’ તરીકે ઓળખાતી આ ટોળકી રાજકોટના વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી. આ ગેંગ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ખંડણી, મારામારી અને જમીન પચાવી પાડવા જેવા અંદાજે 89 જેટલા ગંભીર ગુનાઓ અત્યાર સુધી અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલ જવા છતાં આ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકતી નહોતી, જેના કારણે પોલીસે ગુજસીટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

    પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગેંગના સભ્યોની કુંડળી તૈયાર કરી હતી. ગેંગના સૂત્રધાર સહિત અન્ય સભ્યો કેવી રીતે સંગઠિત થઈને ગુના આચરે છે અને આર્થિક ફાયદો મેળવે છે તેના પુરાવા એકત્રિત કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ‘ઇભલા ગેંગ’ સામે ગુજસીટોક લાગતા હવે આરોપીઓને લાંબો સમય જેલના સળિયા પાછળ રહેવું પડશે.

     શહેરમાં ગેંગવોર કે સંગઠિત ગુનાખોરી ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે. અગાઉ પણ ‘પેન્ડા ગેંગ’, ‘બાટલી ગેંગ’ અને ’ઓડિયા ગેંગ’ સામે આ જ પ્રકારે ગુજસીટોક હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. શહેર પોલીસ હાલ આ ગેંગના અન્ય સાગરિતો અને તેમને મદદ કરનારા શખ્સોની પણ સઘન તપાસ કરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક