નિયમિત વેરો ભરવા છતાં સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
રાજકોટ, તા.1 : રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા મથામણ થઈ રહી છે પરંતુ એક પણ વિસ્તારમાં લોકોને કોઈ પ્રકારની સમસ્યા જ ન હોય તેવું નથી. અનેક વિસ્તારો હજુ પાયાની સુવિધાઓ પણ નથી મળતી. જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ તેમજ તેની આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં જવા માટે રસ્તો ગામડાં જેવો છે. સ્ટ્રીટ લાઈટ જેવી સગવડ પણ નથી કે સિટી બસ અને એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી.
લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે જીવતા સ્થાનિકોએ આજે રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા તેઓએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
ઉચ્ચારી છે.
આજે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરતા કહ્યું હતું કે, ચોમાસામાં તો આ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ખાડાઓ અને કાદવ-કીચડને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેનાં કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ રહે છે. સફાઈ કામદારો પણ નિયમિત આવતા નથી, જેનાં કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સિટી બસની સુવિધા પણ આ વિસ્તારમાં ન હોવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત વેરો ભરીએ છીએ છતાં અમને પાયાની સુવિધાઓ મળતી નથી. અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. ‘નો રોડ, નો વોટ’ એ જ અમારો નારો છે.
ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનો નાખ્યા પછી રસ્તાનું રિપારિંગ કામ કરવામાં આવ્યું નથી. ધૂળની ડમરીઓ ઉડે છે જેનાં કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓ ફક્ત મુલાકાત લઈને જાય છે પણ કામ આગળ વધતું નથી. જેને લઈ અમે હવે કંટાળી ગયા છીએ. આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષનો નેતા પ્રચાર માટે આવશે તો અમે તેમને અટકાવીશું અને મતદાનનો બહિષ્કાર કરીશું. તંત્ર માત્ર વાતો કરે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અમે નર્ક જેવી સ્થિતિમાં રહીએ છીએ. જ્યાં સુધી રસ્તા અને લાઇટની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ નેતાને અમારી સોસાયટીમાં પગ નહીં મૂકવા દઈએ.