વધુ પરસેવો થવાથી શરીરમાં પ્રવાહી ઘટે છે, જે હૃદયનાં કાર્ય પર સીધી અસર કરે
- હાર્ટ એટેક આવ્યો હોય, બાયપાસ સર્જરી થઈ હોય અથવા હાર્ટ ફેલ્યોરની સમસ્યા હોય તેઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર
કેતન સીતાપરા
રાજકોટ, તા.28 : ઉનાળાની ઋતુમાં આખાં શરીરમાં થાક તો લાગે જ છે, સાથે અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. ગરમીનાં કારણે આપણા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પર ભારે બોજ પડે છે. ઉનાળાની તીવ્ર ગરમી અને અચાનક તાપમાનમાં થતા ફેરફાર હૃદય સંબંધિત બીમારીઓ ધરાવતા અને વૃદ્ધ લોકો માટે વધુ જોખમી બની શકે છે. નિષ્ણાતોના મતે, 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં હાર્ટ એટેકનું જોખમ આશરે 20થી 25 ટકા સુધી વધી શકે છે. જો કે, આ સમસ્યા તમામ લોકોને થાય તેવું જરૂરી નથી, પરંતુ પુરતી તકેદારી રાખવી હિતાવહ હોવાનું તબીબો જણાવી રહ્યાં છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથ લેબના કાર્ડિયોલોજિસ્ટ ડો.મનદીપ ટીલાળા કહે છે કે, ગરમીમાં શરીર પોતાને ઠંડું રાખવા માટે વધુ મહેનત કરે છે, જેનાં કારણે હૃદય પર વધારાનો ભાર પડે છે. ડીહાઈડ્રેશન, બ્લડ પ્રેશરમાં વધઘટ અને શરીરમાં સોડિયમ-પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનાં અસંતુલનને કારણે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. વધુ પરસેવા થવાથી શરીરમાં પ્રવાહી ઘટે છે, જે હૃદયનાં કાર્ય પર સીધી અસર કરે છે. તાપમાનમાં અચાનક ફેરફારોને કારણે શરીરને એડજસ્ટ થવામાં મુશ્કેલી પડે છે. પરિણામે બ્લડ પ્રેશર અસ્થિર બને છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેનાં કારણે શરદી, તાવ અને પેટના ચેપ જેવા રોગોનું જોખમ પણ
વધે છે.
ડો.ટીલાળા ઉમેરે છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કિડની અને ફેફસાંના દર્દીઓ માટે આ સમયગાળો વધુ જોખમી છે. ઉપરાંત જેમને પહેલાં હાર્ટ એટેક આવ્યો હોય, બાયપાસ સર્જરી થઈ હોય અથવા હાર્ટ ફેલ્યોરની સમસ્યા હોય તેઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને હૃદયના દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના કોઈ દવા બંધ કે બદલવી નહીં અને હીટવેવ દરમિયાન વધુ સાવચેતી રાખવી જોઈએ.
હાઇડ્રેશન જાળવવા શું કરવું
રોજ 3થી 4 લિટર પાણી પીવું, ઓઆરએસ, લીંબુ પાણી અને છાશ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો, ચા, કોફી અને આલ્કોહોલથી દૂર રહેવું, તાજા ફળો જેમ કે તરબૂચ અને મોસંબીનો સમાવેશ આહારમાં કરવો. બપોરના કડકડતા તડકામાં બહાર જવાનું ટાળવું, ઘરને ઠંડું રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા અને નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવી પણ જરૂરી.
ઉનાળામાં હાર્ટ-એટેકની શક્યતા કેમ વધી જાય છે ?
આપણું શરીર શરીરમાંથી વધારાની ગરમીને બે રીતે દૂર કરે છે અને એને ઠંડું રાખવાનો પ્રયાસ કરે છે. આ બન્ને પ્રોસેસથી હાર્ટ પર અસર થાય છે.
1. રેડિયેશન : જ્યારે આપણી આસપાસની હવા શરીરના તાપમાન કરતાં ઠંડી હોય છે ત્યારે આપણું શરીર ગરમી હવામાં ફેંકે છે. આ પ્રક્રિયામાં રક્ત પરિભ્રમણ પ્રણાલી વધારાનું કામ કરે છે, જેથી બહારની ઠંડી એક મર્યાદાથી વધુ શરીરને અસર ન કરે અને ત્વચાના બહારના લેયર અને આસપાસનાં વાતાવરણમાં ગરમી રહે.
2. બાષ્પીભવન : શરીર તેના સામાન્ય તાપમાનને જાળવી રાખવા માટે પરસેવા દ્વારા શરીરમાંથી વધારાની ગરમીને બહાર કાઢી અને શરીરને ઠંડું રાખવાનો પ્રયાસ કરે છે. ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, કારણ કે શરીર પોતાને ઠંડું રાખવા માટે સતત મહેનત કરતું હોય છે.
આપણી રક્તવાહિનીઓમાં ચાલતું લોહી આ બન્ને પ્રક્રિયાઓમાં મોટી ભૂમિકા ભજવે છે. બ્લડ સર્ક્યુલેશન પર દબાણ વધારવું એટલે હૃદય પર દબાણ વધારવું, કારણ કે છેવટે હૃદય એ પમ્પ સ્ટેશન છે, જે આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવાનું કામ કરે છે, તેથી જ્યારે હવાનું તાપમાન શરીરનાં તાપમાનની નજીક અથવા વધુ થાય છે ત્યારે હૃદયને ઝડપથી ધબકવું પડે છે અને શરીરને ગરમીથી બચાવવા માટે વધુ રક્ત પમ્પ કરવું પડે છે. ગરમ અને ભેજવાળા દિવસોમાં આપણું હૃદય ઠંડા દિવસો કરતાં બેથી ચાર ગણું વધુ બ્લડ સર્ક્યુલેશન કરે છે.