દોઢ કરોડથી વધુની છેતરાપિંડી આચરનાર
ખૂંટ પરિવાર સામે ગુનો દાખલ
વર્ષે 5થી 7 ટકા વળતરની લાલચ આપી રોકાણકારોના 1.74 કરોડ ઓળવી ગયા
રાજકોટ, તા.29 : રાજકોટમાં રોકાણનાં નામે ઊંચું વળતર આપવાની લાલચ આપી નિર્દોષ રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી જવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. દુબઈ સ્થિત કંપનીમાં રોકાણ કરાવી માસિક વળતર આપવાના બહાને રાજકોટના એક યુવાન અને અન્ય સાહેદો સાથે કુલ રૂ. 1.74 કરોડની છેતરાપિંડી આચરવા બદલ મવડી વિસ્તારના એક જ પરિવારના ત્રણ સભ્ય સહિત ચાર શખસ સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ચંદ્રેશનગર શેરી નં. 2માં રહેતા અને ખાનગી નોકરી કરતા વિરેન્દ્રાસિંહ વિજયાસિંહ પરમાર (ઉં.વ. 28) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી સાગર અરાવિંદભાઈ ખૂંટ, અરાવિંદભાઇ લાલજીભાઇ ખૂંટ, જ્યોત્સનાબેન અરાવિંદભાઇ ખૂંટ (રહે. ઇસ્કોન હાઇટ્સ, મવડી) અને એજન્ટ ગૌરાંગ મનસુખભાઇ ખૂંટ દ્વારા આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તેમની દુબઈમાં ‘ખ જઇંઅ ઈંગટઊજઝખઊગઝ ઈઘગજઞકઝઅગઝજ-ણિઈઘ‘ નામે પેઢી છે. જો તેઓ તેમાં રોકાણ કરશે તો દર મહિને 5થી 7 ટકા જેટલું માતબર વળતર મળશે. વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં રોકાણકારોને રૂ. 26.77 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ લાલચમાં આવીને ફરિયાદી અને અન્ય સાહેદોએ બેન્ક મારફતે રૂ. 48.93 લાખ અને એજન્ટો મારફતે રોકડા રૂ. 1.26 કરોડ મળી કુલ રૂ. 1,74,93,500/- નું રોકાણ કર્યું હતું. જોકે, શરૂઆતના વળતર બાદ આરોપીઓએ મુદ્દલ રકમ કે વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને રોકાણકારોની મૂડીનો પોતાના અંગત ઉપયોગ માટે દુરુપયોગ કર્યો હતો.
લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતા આખરે વિરેન્દ્રાસિંહે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં થાપણદારોનાં હિતનાં રક્ષણ બાબત અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.