આફ્રિકા કોલોનીમાં સાટાખત બાબતે બબાલ
રાજકોટ, તા. 29: શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી આફ્રિકા કોલોનીમાં ફ્લેટના હિસ્સા અને સાટાખત બાબતે ચાલી રહેલા વિવાદમાં એક શખ્સે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.
રાજશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિતાસિંહ રાઘવભાઈ ડોડીયા (ઉ.વ. 47) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાના ફ્લેટનો 50% હિસ્સો આરોપી દોલતાસિંહ મોહનભાઈ ડોડીયાને રૂ. 17 લાખમાં આપવાનો કબજા વગરનો સાટાખત કર્યો હતો. જોકે, આરોપીએ સાટાખત મુજબ રકમ ન ચૂકવતા તે રદ થયો હતો અને ફ્લેટનો કબજો ફરિયાદી પાસે જ હતો.
આજે સવારે આરોપી દોલતાસિંહે ફરિયાદીના ફ્લેટમાં જઈ ’મારો 50 ટકા હિસ્સો છે’ તેમ કહી ત્યાં ફર્નિચરનું કામ કરી રહેલા માણસોને અટકાવ્યા હતા. ફરિયાદીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.