• સોમવાર, 01 જૂન, 2026

રાજકોટમાં 33 હજાર જેટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચે શાળા છોડી, 20 હજારનો પુન: પ્રવેશ


 

બાલવાટિકામાં 14,454, ધો-1માં 1,447 બાળકોએ મેળવ્યો પ્રવેશ

 

રાજકોટ, તા. 31: રાજ્યભરના શિક્ષણ વિભાગ દ્વારા અધવચ્ચેથી શાળા છોડી દેનારા બાળકોને અભ્યાસ પૂર્ણ કરાવવા પુન: શાળા પ્રવેશ કરાવવા, સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો બની શકે એટલો ઘટાડવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. જેના પરિણામ રૂપે રાજકોટ જિલ્લામાં 33 હજાર જેટલા વિદ્યાર્થીએ શાળા છોડી હતી, તેમાંથી ર0 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પુન: શાળા પ્રવેશ કરાવવામાં તંત્રને સફળતા મળી છે. જોકે 12500 જેટલા વિદ્યાર્થીઓ ફરીથી શાળા સાથે જોડાયા નથી.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવેલા એક સરવે મુજબ વર્તમાન વર્ષે કુલ 32,948 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો હતો. શિક્ષણ વિભાગની વિવિધ ટીમો આ પૈકીના 20,406 વિદ્યાર્થીઓને પુન: શાળાએ લાવવામાં સફળ રહી છે, પરંતુ હજુ પણ 12,542 બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત રહી

ગયા છે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જોકે, વેકેશન લંબાવવા અંગે હજુ આખરી નિર્ણય બાકી છે. નવા સત્રમાં બાલવાટિકામાં રાજકોટ શહેર વિસ્તારમાં 2,841 અને ધોરણ 1માં 737 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે જ્યારે ગ્રામ્યમાં 11,613 અને ધોરણ 1માં 710 વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. સમગ્ર જિલ્લામાં બાલવાટિકામાં કુલ 14,454 અને ધોરણ 1માં 1,447 બાળકો નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરશે. આગામી 18થી 20 જૂન દરમિયાન કાયદાકીય પ્રોટોકોલ હેઠળ શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધો-1માં 1,447 બાળકોએ પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જે બાળકો હજુ સુધી શાળાએ પરત નથી ફર્યા તેમના માટે એક વિશેષ ટ્રાકિંગ ફોર્મ બનાવવામાં આવ્યું છે અને કચેરીના કર્મચારીઓ આવા બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે, જેથી કાઉન્સાલિંગ કરીને આ તમામ 12,542 બાળકોને ફરીથી શાળાએ લાવી શકાય અને તેમનું ભવિષ્ય બગડતું અટકાવી શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક