દર્દીઓ માટે અપાયેલી 10માંથી 7 ઈ-રિક્ષા બિનઉપયોગી, હોસ્પિટલના વહીવટ સામે ઉઠયા સવાલો
ચાલુ રિક્ષામાં પણ દર્દીઓની જગ્યાએ સામાન પહોંચાડાય અને દર્દીઓ ચાલીને વિભાગોમાં પહોંચવા મજબૂર
રાજકોટ,તા.28 : શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાના વહીવટને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગરીબ, વૃદ્ધ અને અશક્ત દર્દીઓને હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં સરળતાથી એક વિભાગથી બીજા વિભાગ સુધી પહોંચાડી શકાય તે માટે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓએ લાખો રૂપિયાના ખર્ચે 10 જેટલી ઈ-રિક્ષા હોસ્પિટલને ભેટ આપી હતી. પરંતુ હાલમાં મોટાભાગની રિક્ષાઓ બિનઉપયોગી હાલતમાં પાર્કિંગમાં ધૂળ ખાતી જોવા મળતી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, તમામ રિક્ષાઓમાંથી માત્ર બે કે ત્રણ જ કાર્યરત છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ રિક્ષાઓનો ઉપયોગ પણ દર્દીઓની સેવા કરતાં હોસ્પિટલના સામાન, દવાઓના બોક્સ, ચા-દૂધના કેન અને અન્ય સામગ્રીની હેરફેર માટે થતો હોવાના આક્ષેપ થયા છે. પરિણામે દર્દીઓ અને તેમના પરિવારજનોને એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી પગપાળા જવું પડે છે અથવા અન્યની મદદ લેવી પડે છે.
બીજી તરફ, બાકીની રિક્ષાઓ જાળવણીના અભાવે ધૂળથી ઢંકાઈ ગઈ છે અને ધીમે-ધીમે ભંગાર બનવાની સ્થિતિમાં પહોંચી રહી છે. આ મુદ્દે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજા ચાવડાએ આરોગ્ય મંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમણે ટૂંક સમયમાં રિક્ષાઓનું સમારકામ કરીને ફરી દર્દીઓની સેવામાં મૂકવાનો દાવો કર્યો છે. આ સમગ્ર ઘટનાએ હોસ્પિટલના વહીવટ, જાહેર સંપત્તિના સંરક્ષણ અને દાતાઓના વિશ્વાસ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સૌની નજર તંત્ર દ્વારા લેવાતા પગલાં અને દર્દીઓને મળનારી વાસ્તવિક રાહત પર ટકેલી છે.