45 વર્ષના સંજયભાઈ સોલંકી રોજ સવારે 10 કિ.મી. રાનિંગ થકી પોતાને ‘અલ્ટ્રા ફિટ’ રાખે છે
રાજકોટ, તા. 31 : રાજકોટના પથિકાશ્રમના મેનેજર સંજયભાઈ સોલંકી 45 વર્ષની વયે પણ રોજ સવારે 10 કિલોમીટર દોડીને પોતાની જાતને ફિટ રાખે છે.
સંજયભાઈ સોલંકીએ 31 વર્ષની વયે દોડવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તે 06 જેટલી ફુલ મેરેથોન (42.195 કિ.મી.), 20થી વધુ હાફ મેરેથોન (21.0975 કિ.મી.) ઉપરાંત ફુલ મેરેથોન જેટલા કિલોમીટરની અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે.
તેઓ જણાવે છે કે, ફિટનેસ માટે કંઈક કરવું જોઇએ એવું સતત થતું રહેતું. રાનિંગ વધારે ગમતું એટલે વર્ષ 2012માં દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 400 મીટર સુધી દોડી શકાતું. પછી ધીમે ધીમે અભ્યાસ વધારતો ગયો. વર્ષના અંતે 8-9 કિ.મી. સુધી પહોંચવું એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને એ હાંસલ કર્યો. પછી હાફ મેરેથોન દોડવાનો લક્ષ્ય રાખ્યો અને વર્ષ 2016માં રાજકોટમાં પ્રથમ હાફ મેરેથોન દોડયો હતો.
વર્ષ 2017માં રાજકોટમાં પ્રથમ ફુલ મેરેથોન દોડ્યો. એ સમયે 37 વર્ષની વય હતી. એ પછી વિવિધ દોડની સ્પર્ધાઓમાં ભાગ લેતો રહ્યો. અત્યાર સુધીમાં 06 જેટલી ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેમાં વર્ષ 2017માં રાજકોટ મેરેથોન, વર્ષ 2024માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ 2025માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ 2025માં ટાટા મુંબઈ મેરેથોન તથા વર્ષ 2026માં ટાટા મુંબઈ મેરેથોન સહિતનો સમાવેશ
થાય છે.
તેઓ કહે છે કે, દોડવાથી મારા જીવનમાં ગજબની શિસ્ત આવી ગઈ છે. વહેલા જાગવાથી બધાં કામો સમયસર થઈ શકે છે. રોજ સવારે કંઈને કંઈ ઓછામાં ઓછી 30 મિનિટ વ્યાયામ કે શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ જોઈએ. આ એક્ટિવિટી ખુલ્લા આકાશ નીચે મેદાનમાં કરવી જોઈએ. તેનાથી ઓક્સિજન શરીરમાં વધુ જાય. ટોક્સિસ તત્ત્વો બહાર નીકળી જાય. આ સાથે જંકફૂડ તો ખાસ ટાળવું
જોઈએ.
દોડવામાં પણ વિવિધ પેટર્ન જરૂરી
દોડ અંગે સલાહ આપતા તેઓ કહે છે કે, રાનિંગ એક્સરસાઈઝમાં દરરોજ એક જ રીતે દોડવાનું નથી હોતું. વિવિધ પેટર્ન જેમ કે, હાર્ટ રેટ, ઇન્ટરવલ, ટેમ્પો એ રીતે પ્લાન મુજબ દોડવાનું હોય છે. એક્સરસાઇઝ સાથે ડાયેટ અને રેસ્ટ પણ એટલાં જ જરૂરી છે.