મેલબોર્ન
તા.19: વિશ્વની નંબર વન મહિલા ખેલાડી આર્યના સબાલેંકા અને 24 વખતના વિક્રમી ગ્રાંડસ્લેમ
વિજેતા નોવાક જોકોવિચે તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને ઓસ્ટ્રેલિયન ઓપનના કવાર્ટર
ફાઇનલમાં જગ્યા બનાવી છે. નંબર 3 સ્પેનનો યુવા સ્ટાર કાર્લોસ અલ્કાજ અને જર્મન ખેલાડી
એલેકઝાંડર ઝેવરેવ પણ અંતિમ-8માં પહોંચ્યો છે. અમેરિકી ખેલાડી કોકો ગોફે પણ કવાર્ટર
ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે.
પૂર્વ
નંબર વન અને હાલ સાતમા ક્રમના સર્બિયાના નોવાક જોકોવિચે આજે ચોથા રાઉન્ડમાં ઝેક ગણરાજયના
ખેલાડી જીરી લેચકા સામે 6-3, 6-4 અને 7-6થી જીત નોંધાવી કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યોં
હતો. કવાર્ટર ફાઈનલમાં જોકોવિચની ટક્કર અલ્કરાજ સાથે થશે. મહિલા સિંગલ્સમાં પાછલા બે
વખતની ચેમ્પિયન સબાલેંકાએ 14મા નંબરની રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવાને 6-1 અને 6-2થી
હાર આપી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. જયારે કોકો ગોફે પહેલો સેટ ગુમાવ્યા પછી વાપસી
કરીને બેલિંડા બેનસિચ વિરૂધ્ધ પ-7, 6-2 અને 6-1થી વિજય પ્રાપ્ત કર્યોં હતો. પાઉલા બાડોસ
પણ પહેલીવાર કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
પુરુષ
વર્ગમાં જર્મન ખેલાડી ઝેવરેવે ચોથા રાઉન્ડમાં ઉગો હેમ્બર્ગને 6-1, 2-6, 6-3 અને 6-2થી
હાર આપી હતી. અલ્કારજ પણ કવાર્ટરમાં પહોંચી ગયો છે. તેના હરીફ ખેલાડી જેક ડ્રેપર ઇજાને
લીધે ચાલુ મેચે ખસી ગયો હતો. ત્યારે અલ્કરાજ 7-પ અને 6-1થી આગળ હતી.
મિક્સ્ડ
ડબલ્સમાં ભારતનો રોહન બોપન્ના અને તેની ચીની જોડીદાર ઝાંગ શુઆઇ ઓસ્ટ્રેલિયન ઓપનના કવાર્ટર
ફાઇનલમાં પહોંચી ગયા છે. બીજા રાઉન્ડમાં તેમને
વોકઓવર મળ્યો હતો.