કોહલીની ટીમનું લક્ષ્ય ધોનીના ગઢ ચેપોક પર જીતનો 17 વર્ષનો ઇંતઝાર ખતમ કરવો
ચેન્નાઇ,
તા.27: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમ શુક્રવારે જયારે આઇપીએલના મેચમાં ચેન્નાઇ
સુપર કિંગ્સ (સીએસકે) વિરુદ્ધ ટકરાશે ત્યારે તેની નજર 17 વર્ષનો ઇંતઝાર ખતમ કરવા પર
હશે. આરસીબીને સીએસકના ગઢ ચેપોક મેદાન પર છેલ્લે 2008માં જીત મળી હતી. જે આઇપીએલની
પ્રથમ સીઝન હતી. હવે જો 18મી સીઝનમાં ચેપોક પર ધોનીની ટીમને હાર આપવી હશે તો કોહલીના
ટીમના બેટર્સ-બોલર્સે શાનદાર દેખાવ કરવો પડશે. આઇપીએલના આ હાઇ વોલ્ટેજ મેચને લઇને ચાહકોમાં
જબરદસ્ત ઉત્સાહ અને ઉન્માદ જોવા મળી રહ્યો છે.
આરસીબી
ટીમમાં ફક્ત વિરાટ કોહલી જ એ મેચનો હિસ્સો હતો. તે હવે બીજીવાર સીએસકેનો કિલ્લો ભેદવા
માંગશે. જો કે આરસીબીની રાહ આસાન નહીં રહે. કારણ કે સીએસકે ટીમ ચેપોકની સ્પિનરોને મદદગાર
પીચ પર વિરોધી ટીમને કાંટે કી ટક્કર આપવા તૈયાર છે. ટીમ પાસે અનુભવી સ્પિન જોડી રવીન્દ્ર
જાડેજા-રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિન આ સીઝનમાં ફરી ટીમ સાથે જોડાયો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો
જાદુઇ સ્પિનર નૂર અહમદ પણ છે. જેણે મુંબઇ સામેના પાછલા મેચમાં 4 વિકેટ લીધી હતી અને
પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ ત્રણેયે મુંબઇ સામે 11 ઓવર ફેંકી હતી અને 70 રનમાં પ
વિકેટ લીધી હતી.
શુક્રવારે
રમાનાર મેચમાં પણ ચેપોકની સ્પિન ફ્રેન્ડલી પિચ જોવા મળી શકે છે. જેના પર વિરાટ કોહલી
એન્ડ કું.એ આક્રમક દેખાવ કરવો પડશે. આરસીબીના અન્ય બેટર્સ ફિલ સોલ્ટ, કપ્તાન રજત પાટીદાર,
લિયામ લિવિંગસ્ટન અને જિતેશ શર્માએ કોહલીનો સાથ આપવો પડશે. આરસીબી ઇલેવનમાં સંભવત:
ટીમ ડેવિડના સ્થાને જેકેબ બેથેલને તક મળી શકે છે. ઝડપી બોલર ભુવનેશ્વરની ફિટનેસ પર
પણ ટીમની નજર રહેશે. જે પહેલા મેચમાં કોલકતા સામે રમી શક્યો ન હતો.
બીજી
તરફ ચેન્નાઇને તેના મધ્યક્રમના બેટધરો પાસેથી સારા દેખાવની આશા રહેશે. શિવમ દૂબે, દીપક
હુડ્ડા અને સેમ કરન પાછલા મેચમાં પ્રભાવ છોડી શકયા ન હતા. ફકત રચિન રવીન્દ્ર અને કપ્તાન
ઋતુરાજ ગાયકવાડનો ઉમદા દેખાવ રહ્યો હતો. સીએસકેની નજર ઝડપી બોલર મથીશા પથિરાનાની ફિટનેસ
પર હશે. જે અનફિટ હોવાથી મુંબઇ સામે રમી શકયો ન હતો. તે ફિટ હશે તો નાથન એલિસના સ્થાને
રમશે.