• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

2025માં ટેસ્ટ ક્રિકેટમાં સ્ટાર્ક અને સિરાજનો દબદબો

સ્ટાર્ક 55 વિકેટ સાથે પહેલા અને સિરાજ 43  વિકેટ સાથે બીજા ક્રમાંકે : બુમરાહ પણ ટોપ-10માં સામેલ

નવી દિલ્હી, તા. 27 : વર્ષ 2025 ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. સ્ટાર્ક વર્તમાન સમયે સારા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. એશિઝ શ્રેણીમાં તેણે વિકેટ લેવાની સાથે બેટથી પણ સારું પ્રદર્શન કર્યું છે. મિચેલ સ્ટાર્ક 2025મા ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનારો બોલર છે. સ્ટાર્કે 2025માં કુલ 11  ટેસ્ટ મેચ રમ્યા છે. જેની 22 ઇનિંગમાં 17.32ની સરેરાશથી 55 વિકેટ લીધી છે.

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે પણ 2025નું વર્ષ નોંધપાત્ર રહ્યું છે. સિરાજ વનડે કે ટી20માં ભારતીય ટીમનો હિસ્સો નથી પણ ટેસ્ટમાં પોતાની ઉપયોગિતા બતાવી છે. મોહમ્મદ સિરાજ મિચેલ સ્ટાર્ક બાદ 2025મા ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેનારો બીજો બોલર છે. સિરાજે ચાલુ વર્ષે 10 ટેસ્ટ મેચ રમ્યા છે. જેની 19 ઇનિંગમાં 27.20ની સરેરાશથી 43 વિકેટ લીધી છે. ઝિમ્બાબ્વેનો બ્લેસિંગ મુજરબાની 15 ઇનિંગમાં 42 વિકેટ સાથે યાદીમાં ત્રીજાં સ્થાને છે. ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ 9 મેચની 17 ઇનિંગમાં 33 વિકેટ લઈ ચૂક્યો છે. બંગલાદેશના બૈજુબ ઈસ્લામનું નામ પણ ટોપ-5માં છે. ઇંગ્લેન્ડનો જોશ ટંગ, ઓસ્ટ્રેલિયાનો સ્કોટ બોલેન્ડ, દક્ષિણ આફ્રિકાનો સાઇમન હારમર અને પાકિસ્તાની નોમાન અલી ટોપ-10 બોલમાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક