• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

વૈભવ સૂર્યવંશીને U-19 ટીમની કેપ્ટનશીપ

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમનું એલાન : ઞ-19 વર્લ્ડકપ માટે પણ ટીમ ઘોષિત

નવી દિલ્હી, તા. 27 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈસીસી મેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. આ સાથે જ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી સીમિત ઓવરની શ્રેણી માટે પણ અંડર-19 ટીમની ઘોષણા કરી છે. જેનો કેપ્ટન વૈભવ સૂર્યવંશી છે. જો કે મેગા ઈવેન્ટ વર્લ્ડ કપમાં આયુષ મ્હાત્રે જ કેપ્ટન રહેશે. જે ઈજાના કારણે દ.આફ્રિકા સામેની શ્રેણીમાં ઉપલબ્ધ નથી.

જૂનિયર ક્રિકેટ સિલેક્શન કમિટિએ આઈસીસી પુરુષ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમ પસંદ કરી છે. ઝિમ્બાબ્વે અને નામીબિયામાં 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધી વિશ્વકપ થવાનો છે. જયારે દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ ત્રણ જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ સાથે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની ટીમમાં વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જોર્જ (ઉપકેપ્ટન) વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ, હરવંશ સિંહ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ એનાન, હેનિલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, યુવરાજ ગોહિલ અને રાહુલ કુમાર સામેલ છે. બીસીસીઆઈએ જાણકારી આપી છે કે આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રાને કાંડામાં ઈજા થઈ છે અને દક્ષિણ આફ્રિકાની ટૂર ઉપર જઈ શકશે નહી.

બીજી તરફ અંડર-19 વર્લ્ડ કપ માટેની ટીમમાં આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (ઉપકેપ્ટન), વૈભવ સુર્યવંશી, એરોન જોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ, હરવંશ સિંહ,  આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ એનાન, હેનિલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર સિંહ અને ઉદ્ધવ મોહન સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક