સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની દમદાર ઈનિંગથી ભારતીય મહિલા T20નો સૌથી મોટો 221નો સ્કોર કર્યો : શ્રીલંકાના 20 ઓવરમાં 191
તિરુવનંતપુરમ,
તા. 28 : ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે સતત ચોથા ટી20 મેચમાં જીત નોંધાવી હતી. આ
મેચમાં ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી.
જેના પરિણામે સ્કોર 221 રન સુધી પહોંચ્યો હતો. આ ભારતીય મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ઈતિહાસનો
અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર છે. રન ચેઝ કરવા ઉતેરલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ
ગુમાવીને 191 રન જ કરી શકી હતી અને ભારતને 30 રને જીત મળી હતી. હવે શ્રેણીનો પાંચમો
અને અંતિમ ટી20 મેચ 30મી ડિસેમ્બરના રોજ રમાવાનો છે. જેમાં ભારતીય ટીમની નજર શ્રીલંકાનો
વ્હાઈટ વોશ કરવા ઉપર રહેશે.
જીત
માટેના 222 રનના લક્ષ્યને પાર પાડવા ઉતરેલી શ્રીલંકાની મહિલા ટીમે ધુંઆધાર શરૂઆત કરી
હતી. હસીની પરેરા અને ચમારી અટ્ટાપટ્ટુએ પાવરપ્લેનો પુરો ઉપયોગ કર્યો હતો. શ્રીલંકાની
પહેલી વિકેટ છઠ્ઠી ઓવરમાં 59ના કુલ સ્કોરે
પડી હતી.જેમા પરેરા 20 બોલમાં 33 રન કરીને આઉટ થઈ હતી. બીજી તરફ ચમારી અટ્ટાપટ્ટુએ
અર્ધસદી કરી હતી. ચમારી અને ઈમેશા દુલાની વચ્ચે પાર્ટનરશીપ મજબુત બની રહી હતી. આ દરમિયાન
અટ્ટાપટ્ટુ 52 રન કરીને આઉટ થઈ હતી. બાદમાં ઈમેશા પણ રનઆઉટ થઈ હતી. અંતિમ ઓવરોમાં શ્રીલંકાની
બેટરોએ થોડી મહેનત કરી હતી પણ કાફી રહી નહોતી અને સ્કોર 20 ઓવરમાં 191 સુધી જ પહોંચી
શક્યો હતો. આ દરમિયાન મેચમાં ભારતીય ખેલાડીઓની નબળી ફિલ્ડીંગ પણ સાફ જોવા મળી હતી.
જે ચિંતાનો વિષય છે.
આ
અગાઉ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત શાનદાર રહી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી
વર્માએ છગ્ગા ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. બન્નેએ 10 ઓવરમાં જ ભારતનો સ્કોર 85 રન સુધી
પહોંચાડી દીધો હતો. શેફાલીએ માત્ર 30 બોલમાં સાત ચોગ્ગાની મદદથી અર્ધસદી પુરી કરી હતી.
ભારતને પહેલો ઝટકો 16મી ઓવરમાં લાગ્યો હતો. જ્યારે શેફાલી વર્મા 79 રનની ઈનિંગ રમીને
વિકેટ ગુમાવી હતી. બીજી તરફથી મંધાનાની ઈનિંગ ચાલુ હતી પણ 17મી ઓવરમાં તેની વિકેટ પડી
હતી. મંધાનાએ 48 બોલમા 80 રન કર્યા હતા. મંધાનાએ 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા
હતા. અંતિમ ઓવરોમાં રિચા ઘોષની તોફાની ઈનિંગ જોવા મળી હતી. તે 16 બોલમાં 4 ચોગ્ગા અને
ત્રણ છગ્ગાની મદદથી 40 રન કરીને નોટઆઉટ રહી હતી. જ્યારે હરમનપ્રીત કૌરે 10 બોલમાં
16 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી માલ્શા શેહાની અને નિમશા મધુશનીને એક એક સફળતા મળી
હતી.