• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ઋષભ પંતને વન ડેમાંથી રજા, ઈશાનનાં નસીબ ચમકશે ?

ન્યુઝિલેન્ડ સામેની વનડે શ્રેણી માટે અઠવાડિયાની અંદર થઈ જશે ટીમનું એલાન

નવી દિલ્હી, તા. 28 : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની શરૂઆત જાન્યુઆરીથી થવા જઈ રહી છે. આ શ્રેણી માટે બીસીસીઆઇએ હજી સુધી ટીમનું એલાન કર્યું નથી. જો કે રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ઋષભ પંતને વન ડે ટીમમાંથી ડ્રોપ કરવામાં આવી શકે છે. પંતને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે ટીમમાં સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો હતો પણ મેચ રમવા મળ્યો નહોતો. પંતને ડ્રોપ કરીને પસંદગીકર્તા વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનું મન મનાવી રહ્યા છે. કિશને હાલમાં જ પોતાનાં ઘરેલુ પ્રદર્શનના દમ ઉપર ટી20 વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી છે. તે ન્યુઝિલેન્ડ સામેની પાંચ મેચની ટી20 શ્રેણીની ટીમમાં પણ સામેલ છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ અઠવાડિયામાં ન્યુઝિલેન્ડ સામેની વન ડે શ્રેણી માટે ટીમનું એલાન કરી શકે છે. પંતની જગ્યાએ ઈશાન કિશન પસંદ કરવાનો નિર્ણય ટીમની દિશા બદલવાનો સંકેત આપે છે, કારણ કે ટીમ મેનેજમેન્ટ 2025-26 સીઝન માટેના અંતિમ ઘરેલુ અસાઇન્મેન્ટ પહેલા ફોર્મ અને બેલેન્સ ઉપર વિચાર કરી રહ્યું છે. ઈશાન કિશન સ્કવોડમાં આવવાથી ભારતને કેએલ રાહુલનો બેકઅપ વિકેટ કીપર મળશે તેમજ ઈશાન કિશન તરીકે બેકઅપ ઓપનર પણ મળશે. જે મીડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે.

ઋષભ પંતે અંતિમ વખત ભારત માટે સાતમી ઓગસ્ટ 2024ના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે વન ડે મેચ રમ્યો હતો. જો કે દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં સામેલ થયો હતો પણ બેટિંગ કરી શક્યો નહોતો. કહેવાય છે કે પસંદગીકર્તાઓએ હવે પંતને ન્યુઝિલેન્ડમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.

ઈશાન કિશન સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં સૌથી વધારે રન કરનારો ખેલાડી રહ્યો હતો અને ઝારખંડને  ખિતાબ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફોર્મ વિજય હઝારે ટ્રોફીમાં પણ જોવા મળ્યું હતું અને 24 ડિસેમ્બરે કર્ણાટક સામે 33 બોલમાં સદી કરી હતી. જે કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા બીજી સૌથી ઝડપી એ લિસ્ટ સદી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક