• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

U-19 વિશ્વ કપમાં ભારતની આજે બાંગલાદેશ સામે ટક્કર

બુલાવાયો, તા.16: અન્ડર-19 વર્લ્ડ કપના શનિવારે રમાનાર મેચમાં ભારતની ટકકર પાડોશી દેશની ટીમ બાંગલાદેશ વિરુદ્ધ થશે. અમેરિકા સામે જીત મેળવી શાનદાર શરૂઆત કરનાર યુવા ભારતીય ટીમની નજર વિજય અભિયાન આગળ ધપાવવા પર રહેશે. પહેલા મેચમાં વડોદરાના ઝડપી બોલર હેનિલ પટેલે કાતિલ દેખાવ કરીને પ વિકેટ ઝડપી હતી. તેના દેખાવ પર તમામની નજર રહેશે. આ ઉપરાંત 14 વર્ષીય રનમશીન વૈભવ સૂર્યવંશીની બેટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તે પહેલા મેચમાં નિષ્ફળ રહ્યો હતો. વરસાદગ્રસ્ત મેચમાં અમેરિકા સામે ભારતીય ટીમે ફકત 96 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન કપ્તાન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂયવંશી સહિતની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.

બાદમાં વિકેટકીપર-બેટર અભિજ્ઞાન કુંડુએ 41 દડામાં અણનમ 42 રન કરીને 6 વિકેટે જીત અપાવી હતી. અમેરિકા સામેના મેચમાં હેનિલ પટેલે 16 રનમાં પ વિકેટ ઝડપી હતી. બીજી તરફ બાંગલાદેશ ટીમ 2020ની ચેમ્પિયન છે. ત્યારે તેણે ફાઇનલમાં અપસેટ કરી ભારતીય ટીમને હાર આપી હતી. ટીમનો કેપ્ટન અજીજુલ હકીમ અને ઓલરાઉન્ડર કલામ સિદિકી બે મુખ્ય ખેલાડી છે. મેચ શનિવારે બપોરે 1-30થી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક