• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ટીમ ઇન્ડિયાને રાહત : T-20 વિશ્વ કપ અગાઉ ઓલરાઉન્ડર વોશિંગ્ટન ફિટ થવા નજીક

બેંગ્લુરુ, તા.29: ભારતીય સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ફૂલી ફિટ થવાની એકદમ નજીક છે. જે ટી-20 વર્લ્ડ કપ અગાઉ ટીમ ઇન્ડિયા માટે રાહતજનક ખબર છે. વોશિંગ્ટન સુંદરે બેંગ્લુરુના બીસીસીઆઇ સેન્ટર ઓફ એકસીલેંસ (સીઓઇ) ખાતે ઇજામાંથી બહાર આવીને નેટમાં પ્રેકટીસ શરૂ કરી દીધી છે. જો કે તે ટી-20 વર્લ્ડ કપ અગાઉ કોઇ પ્રતિસ્પર્ધી મેચનો હિસ્સો બની શકશે નહીં. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેના અભિયાનનો પ્રારંભ 7 ફેબ્રુઆરીએ યુએસએ સામે ઉતરીને કરશે.

26 વર્ષીય વોશિંગ્ટન સુંદરને સાઇડ સ્ટ્રેન સાથે પાંસળીમાં હળવું ફ્રેકચર થયું હતું. આથી તે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની બહાર થઇ ગયો હતો. સીઓઇની મેડિકલ ટીમને આશા છે કે તે વર્લ્ડ કપના પહેલા મેચથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

વોશિંગ્ટન સુંદરના સ્થાને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં રવિ બિશ્નોઇને સામેલ કરાયો છે. જો વોશિંગ્ટન સમયસર ફિટ થશે નહીં તો રવિને વિશ્વ કપ રમવાનો પણ મોકો મળી શકે છે. ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં વોશિંગ્ટન સુંદર ઉપરાંત અક્ષર પટેલના રૂપમાં અન્ય એક સ્પિન ઓલરાઉન્ડર ખેલાડી છે. વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ નિયમિત સ્પિન બોલર છે.

ઇ-પેપરના નવા શુલ્ક